નવીદિલ્હી
ભારત સાથેના સરહદી વિવાદને લઈ ચીન ચર્ચામાં રહેતું હોય છે. એવામાં ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર તણાવ ઉભો થયો છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ચીનનું એલએસી પર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવું બંને દેશો વચ્ચે તણાવનું સૌથી મોટું કારણ છે. વધારેમાં તેમણે કહ્યું કે, અમે કોઈપણ પરિસ્થિતિમાં દેશ સાથે સામનો કરવા માટે તૈયાર છીએ. જનરલ પાંડેએ નવી દિલ્હીમાં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી અને સેન્ટર ફોર ચાઈના એનાલિસિસ એન્ડ સ્ટ્રેટેજી દ્વારા આયોજિત બીજા વ્યૂહાત્મક સંવાદમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે ચીનના સુધારા અને વિશ્વ પર તેની અસર પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરહદ પર ચીને સૈનિકોની અવરજવર, તેમની તૈનાતી અને સૈન્ય ઓપરેશન સાથે સંબંધિત તમામ તૈયારીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, એશિયાના બે સૌથી મોટા દેશોના દ્વિપક્ષીય સંબંધોમાંથી સરહદ મુદ્દાને બાકાત રાખી શકાય નહીં. જનરલ પાંડેએ કહ્યું, “મને લાગે છે કે અમારા ઓપરેશનલ વાતાવરણ માટે સૌથી મહત્વપૂર્ણ પાસું સરહદ વિવાદો છે. અલગ-અલગ વિચારસરણી અને મંતવ્યો અને એલએસી અંગેના દાવાઓને કારણે વિવાદો ઉભા થતા રહે છે. અતિક્રમણ હજુ પણ તણાવનું મહત્વનું પરિબળ છે. જનરલ પાંડેએ કહ્યું કે, ચીન સતત અગાઉના પ્રોટોકોલ, કરારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને એલએસી પર અતિક્રમણ કરી રહ્યું છે જે ભારત માટે ચિંતાનો વિષય છે.
