નવીદિલ્હી
કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરી ખેડૂતોની માગ પર એક મોટું પગલું ભર્યું હતું. એક અહેવાલ અનુસાર ભારત સરકારે દેશના ખેડૂતો ખાસ કરીને કાશ્મીરના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ૫૦ રૂ. પ્રતિ કિલોથી ઓછી કિંમતવાળા સફરજનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરી ખેડૂતો વતી વિદેશી સફરજનની આયાત પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ રહી હતી. જાેકે ભારત સરકારે પાડોશી દેશ ભુટાનને આ પ્રતિબંધથી અલગ રાખ્યો છે. ભારત સરકારના વિદેશ વેપાર મહાનિર્દેશાલય વતી એક નોટિફિકેશન જાહેર કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે ૫૦ રૂ. પ્રતિ કિલોગ્રામથી ઓછું કે સમાન સીઆઇએફ વાળા સફરજનની આયાત પર પ્રતિબંધ મૂકાયો છે. જાેકે આ નોટિફિકેશનમાં ડીજીએફટીએ કહ્યું કે મિનિમમ આયાત કિંમતની શરતો ભુટાન માટે લાગુ નહીં પડે. ભારત સરકારનું આ પગલું ઈરાન, તૂર્કીયે અને ચિલી માટે મોટા આંચકા સમાન મનાઈ રહ્યું છે કેમ કે આ બધા દેશ ભારે માત્રામાં ભારતને સફરજન મોકલે છે. એપ્રિલ ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩માં ભારતે કુલ ૨૬.૦૩ કરોડ ડૉલરના સફરજનની આયાત કરી હતી. તેમાં તૂર્કીયે, ઈટાલી, ઈરાન અને ચિલી ટોચના નિકાસકારોમાં સામેલ હતા. જ્યારે ૨૦૨૧-૨૦૨૨માં ભારતે કુલ ૩૮.૫૧ કરોડ ડૉલરના સફરજનની આયાત કરાઈ હતી. ભારત સરકારનું આ પગલું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે કાશ્મીરના સફરજનના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી ઈરાની સફરજનની આયાત પર પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા હતા. ભારતમાં સૌથી વધુ સફરજનની આયાત તૂર્કીયેથી કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર એપ્રિલ ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે ભારતે તૂર્કીયેથી કુલ ૭.૧૮ કરોડ ડૉલરના સફરજનની આયાત કરી હતી. જાેકે ગત વર્ષે આ જ સમયગાળામાં ભારતે ૮.૦૬ કરોડ ડૉલરના સફરજનની આયાત કરી હતી. તૂર્કીયે પછી ભારતે ચિલી, ઈટાલી અને ઈરાનથી સૌથી વધુ સફરજનની આયાત કરી હતી. ૨૦૨૨-૨૩ ચિલીથી ૩.૮૬ કરોડ ડૉલર અને ઈરાનથી ૨.૬૦ કરોડ ડૉલરના સફરજનની આયાત કરી હતી.