નવીદિલ્હી
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની નાબુદી થયા બાદ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના પેટમાં તેલ રેડાયુ છે અને સતત નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સતત હત્યાઓ થઈ રહી છે ત્યારે હવે ભારત સરકાર એક્શનમાં આવી છે. સામે આવી રહેલી વિગતો અનુસાર ભારત સરકાર જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની ૧૮ કંપનીઓ તૈનાત કરવા જઈ રહી છે. સુત્રો દ્વારા મળી રહેલી વિગતો અનુસાર, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાજૌરી જિલ્લામાં બે તાજા આતંકી હુમલાઓ અને નાગરિકોની હત્યાઓને લઈને જમ્મુ અને કાશ્મીરમાં ૧૮ વધારાની કંપનીઓ મોકલશે. આ જવાનો જમ્મુ ક્ષેત્રના સંવેદનશીલ વિસ્તારોમાં મુખ્યત્વે પૂંચ અને રાજૌરી જિલ્લામાં તૈનાત કરાશે. વિગતો અનુસાર, હાલ કાશ્મીરમાં સીઆરપીએફની ૮ કંપનીઓ હાજર છે તેને હવે અલગ અલગ જગ્યાઓએ તૈનાક કરાશે. આ સિવાયની ૧૦ કંપનીઓ દિલ્હીથી કાશ્મીર મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. સુત્રો દ્વારા સામે આવેલી માહિતી અનુસાર, હાલમાં જ આતંકી હુમલાઓને લઈને મળી રહેલા ઈનપુટને લઈને ગૃહ મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કાશ્મીર રાજૌરી જિલ્લાના અપર ડાંગરી ગામમાં રવિવારે સાંજે અને સોમવારે સવારે બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં અન્ય કેટલાક ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, વિસ્ફોટ સોમવારે સવારે શંકાસ્પદ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસથી કરવામાં આવ્યો હતો. આ પછી બે બાળકોના મોત થયા હતા.
