Delhi

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીના પેગાસસ અંગેના નિવેદન પર ભાજપાએ કહ્યું , કહ્યું- ‘દેશને બદનામ કરવો તેમની આદત છે’

નવીદિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘૨૧મી સદીમાં સાંભળવું અને શીખવું’ વિષય પરના પોતાના લેક્ચર દરમિયાન જાસૂસી સોફ્ટવેર પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, તેમના ફોનમાં પેગાસસ નાંખવામાં આવ્યો હતો. અધિકારીઓએ તેમને આ બાબતને લઈને સલાહ પણ આપી હતી કે તેઓ ફોન પર વાતચીત કરવામાં ધ્યાન રાખે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મોટી સંખ્યામાં રાજકીય નેતાઓના ફોનમાં પેગાસસ છે. ઈન્ટેલિજન્સ અધિકારીઓએ મને ફોન કર્યો અને કહ્યું કે, તમારા ફોનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો કેમ કે અમે બધું જ રેકોર્ડ કરી રહ્યા છીએ. જાેકે હવે બીજેપીએ રાહુલ ગાંધીના આ નિવેદન પર પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, ‘ગઈકાલના ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, કોંગ્રેસના પંજાના ફરી એકવાર સુપડા સાફ થઈ ગયા છે અને રાહુલ ગાંધી ફરી વિદેશની ધરતી પર જઈ રોવા ધોવાનું કામ કરી રહ્યા છે. તેઓ પહેલેથી જ જાણતા હતા કે, પરિણામ શું આવશે. આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, પેગાસસ ક્યાંય અન્ય જગ્યાએ નહીં પણ ખુદ તેમના દિલ- દિમાગમાં ઘુસી ગયું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમાં જે સન્માન મેળવ્યું છે, તેની વાત દુનિયાભરના નેતાઓ કરે છે. રાહુલ ગાંધી અન્ય કોઈની નહીં તો ઈટાલીના વડાપ્રધાનની વાત તો સાંભળી લે, જેમણે ગઈકાલે કહ્યું હતું કે, પીએમ મોદી વિશ્વના સૌથી પ્રિય નેતાઓમાંના એક છે અને તે વર્લ્ડ લીડર છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધીની એવી કઈ મજબૂરી હતી કે તેમણે પોતાનો મોબાઈલ ફોન તપાસ માટે જમા ન કરાવ્યો? એવા નેતા જે પોતે ભ્રષ્ટાચારના આરોપમાં જામીન પર છે, તેમના ફોનમાં એવું શું હતું કે તેમણે પોતાનો ફોન જમા ન કરાવ્યો. તેમની સાથે અન્ય નેતાઓએ પણ તેમના ફોન જમા કરાવ્યા ન હતા. તેઓ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સહન કરી શકતા નથી. જાે કે દેશની જનતા વારંવાર પ્રધાનમંત્રી મોદી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારત વિશે વારંવાર ખોટું બોલે છે અને દેશનું અપમાન કરે છે. તે વિદેશી ધરતી પરથી વિદેશી મિત્રો દ્વારા દેશ વિરુદ્ધ ષડયંત્ર રચે છે. તેઓ ભલે વડાપ્રધાનને નફરત કરતા હોય પણ વિદેશમાં જઈને ભારતને કેમ બદનામ કરે છે. રાહુલ ગાંધીએ શું કહ્યુ હતુ?.. તે જાણો.. રાહુલ ગાંધીએ તેમના કેમ્બ્રિજ લેક્ચર દરમિયાન કહ્યું હતું કે, “અમે પેગાસસને કારણે સતત દબાણ અનુભવી રહ્યા છીએ. વિપક્ષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. મારી સામે ફોજદારી ગુના હેઠળ ન આવતી વસ્તુઓ માટે પણ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તમે મીડિયા અને લોકતાંત્રિક માળખા પર આવા પ્રહાર કરો છો, ત્યારે વિપક્ષ તરીકે લોકો સાથે વાતચીત કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ‘કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ’ માં વિઝિટિંગ ફેલો છે. પેગાસસ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધી અને જાસૂસીનો આરોપ મૂકતા અન્ય વિપક્ષી નેતાઓને કહ્યું હતું કે તેઓ તપાસ માટે તેમના ફોન જમા કરે. પરંતુ કોઈ નેતાએ તપાસ માટે પોતાનો ફોન જમા કરાવ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *