નવીદિલ્હી
ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને ૫૫ રનથી હરાવી આ ટુર્નામેન્ટમાં પાંચમી જીત નોંધાવી છે. આ સાથે ગુજરાત આ સિઝનમાં ૧૦ પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો, અને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે મુંબઈ સામે ૨૦૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ ૧૫૨ રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ૨૦૮ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા ૨, ઈશાન કિશન ૧૩ અને કેમરન ગ્રીન ૩૩ રન બનાવીને આઉટ થયા હતા. મુંબઈએ ૫૯ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. રાશિદ ખાન અને નૂર અહેમદે એક જ ઓવરમાં ૨-૨ વિકેટ લઈને મુંબઈની બેટિંગની કમર તોડી નાખી હતી. રાશિદ અને નૂર અહેમદે તેમના ક્વોટાની ૮ ઓવરમાં ૬૪ રન આપીને ૫ વિકેટ લીધી હતી. એટલે કે, અફઘાનિસ્તાનના આ બે સ્પિનરોએ મુંબઈની અડધી ટીમનો સફાયો કરી દીધો હતો. સૂર્યકુમાર યાદવે ચોક્કસપણે કેટલાક શાર્પ શોટ રમ્યા હતા. પરંતુ, તે પણ ૧૨ બોલમાં ૨૩ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી નેહલ વાઢેરાએ પણ ૨૧ બોલમાં ૩ છગ્ગા અને ચોગ્ગાની મદદથી ૪૦ રન ફટકાર્યા હતા. પરંતુ, તે પણ મુંબઈની હાર ટાળી શક્યો ન હતો. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. અર્જુન તેંડુલકરે ખૂબ જ જલ્દી મુંબઈને પહેલી સફળતા અપાવી. તેણે રિદ્ધિમાન સાહાને ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો. આ પછી હાર્દિક પંડ્યા પણ ૧૩ રન બનાવીને આઉટ થયો હતો. જાેકે, શુભમન ગિલ એક છેડેથી મક્કમ રહ્યો અને પોતાની અડધી સદી પૂરી કરી. ગિલ ૫૬ રન બનાવીને આઉટ થયો હતો. એક સમયે ગુજરાતનો સ્કોર ૧૨ ઓવરમાં ૩ વિકેટના નુકસાને ૯૯ રન હતો. પરંતુ છેલ્લી ૮ ઓવરમાં ગુજરાતે ૧૦૮ રન બનાવ્યા હતા. એટલે કે પ્રતિ ઓવર ૧૩ રનના દરે રન બનાવ્યા.


