નવીદિલ્હી
લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટી ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બનશે. યુએસ સેનેટે ગાર્સેટ્ટીના નામાંકનની પુષ્ટિ કરી છે. ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે તેમના નામાંકનને સેનેટમાં ૫૨-૪૨ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જણાવી દઈએ કે ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ છેલ્લા બે વર્ષથી ખાલી હતું. યુ.એસ. સેનેટ દ્વારા તેમના નામાંકનને મંજૂરી મળ્યા પછી એરિક ગાર્સેટી ખુશ છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આજના પરિણામથી ખૂબ જ ખુશ છે, જે લાંબા સમયથી ખાલી પડેલા મહત્વપૂર્ણ પદને ભરવા માટે જરૂરી હતું. તેણે આગળ કહ્યું, ‘હું રાષ્ટ્રપતિ જાે બાઈડન અને વ્હાઇટ હાઉસનો આભારી છું. હું ભારતમાં અમારા મહત્વપૂર્ણ હિતોનું પ્રતિનિધિત્વ કરતી મારી સેવા શરૂ કરવા માટે તૈયાર અને આતુર છું. અગાઉ, ભારતમાં યુએસ એમ્બેસેડર કેનેથ જસ્ટર હતા, પરંતુ યુએસમાં સરકાર બદલાયા પછી જાન્યુઆરી ૨૦૨૧ માં તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, જુલાઈ ૨૦૨૧ માં, રાષ્ટ્રપતિ જાે બાઈડને એરિક ગાર્સેટ્ટીને ભારતમાં રાજદૂત તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. જાે કે, તેમનું નામાંકન સંસદમાં મતદાન માટે લાવવામાં આવ્યું ન હતું, કારણ કે શાસક ડેમોક્રેટિક પાર્ટીને સંસદમાં પૂરતું સમર્થન ન હતું. ગયા અઠવાડિયે જ યુએસ સેનેટની ફોરેન અફેર્સ કમિટીએ એરિક ગાર્સેટ્ટીના ભારતમાં રાજદૂત માટે નોમિનેશનને મંજૂરી આપી હતી અને તેને મંજૂરી માટે સેનેટમાં મોકલી હતી. સમિતિએ તેમના નામાંકનને ૧૩-૮ના મતથી મંજૂરી આપી હતી. ફોરેન અફેર્સ કમિટીના તમામ ડેમોક્રેટ્સ, તેમજ રિપબ્લિકન સેનેટર્સ ટોડ યંગ અને બિલ હર્ટીએ એરિક ગાર્સેટ્ટીને મત આપ્યો. એરિક ગાર્સેટીનો જન્મ ૪ ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ લોસ એન્જલસમાં થયો હતો. એરિક એક ઉત્સુક ફોટોગ્રાફર, જાઝ પિયાનોવાદક અને સંગીતકાર છે. તેઓ યુએસ નેવીના રિઝર્વ ઇન્ફોર્મેશન ડોમિનેન્સ કોર્પ્સમાં લેફ્ટનન્ટ રહી ચૂક્યા છે. ૨૦૧૩ માં પ્રથમ વખત, તેણે લોસ એન્જલસની મેયરની ચૂંટણી લડી અને જીતી. ૨૦૧૭માં ફરી મેયર બન્યા. આ પહેલા ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી તેઓ લોસ એન્જલસ સિટી કાઉન્સિલના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ મેયર તરીકે ચૂંટાયા તે પહેલા તેઓ અને તેમનો પરિવાર ઇકો પાર્કમાં રહેતા હતા. એરિક બાઈડનની નજીક માનવામાં આવે છે. ૫૦ વર્ષીય એરિક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જાે બાઈડનના ચૂંટણી અભિયાનનો ભાગ હતા. એરિક ગાર્સેટ્ટીના નજીકના સાથીદાર રિક જેકોબ્સ પર જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે મેયર પદ સંભાળતી વખતે એરિકે આ બાબતની અવગણના કરી હતી. આ આરોપને કારણે એરિક ગાર્સેટીની નિમણૂક કરવામાં આવી રહી ન હતી. વિપક્ષી રિપબ્લિકન પાર્ટીની સાથે કેટલાક ડેમોક્રેટ સાંસદો પણ એરિક ગાર્સેટીના દાવાનો વિરોધ કરી રહ્યા હતા.