નવીદિલ્હી
દક્ષિણ દિલ્હીના જંગલમાં ત્રણ વર્ષની બાળકી પર બે શખ્સોએ કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ ૨૭ વર્ષીય રામનિવાસ પાણિકા અને ૨૨ વર્ષીય શક્તિમાન સિંહ તરીકે થઈ છે જેઓ મધ્યપ્રદેશના સીધીના રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે, બંને ભૂમિ ગ્રીન કંપનીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. બંને આરોપીઓ પરિણીત હોવાનું પણ જાણવા મળ્યું છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યું કે, એક મહિલા તેની ત્રણ વર્ષની પુત્રી સાથે શુક્રવારે ફતેહપુર બેરી પોલીસ સ્ટેશન આવી હતી અને આ સંબંધમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી સવારે ગુમ થઈ ગઈ હતી. જ્યારે તે તેની પુત્રીને શોધી રહી હતી ત્યારે તેના પાડોશીએ મહિલાને કહ્યું કે, તેઓએ તેની પુત્રીને જંગલ પાસે ફરતા જાેઈ હતી. પાડોશીએ બે વ્યક્તિને એ જ દિશામાં તરફ જતા જાેયા હતા. થોડીવાર બાદ બાળકી મળી આવી જે રડી રહી હતી. અધિકારીએ કહ્યું કે, ફરિયાદીએ જાેયું કે તેની પુત્રીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. જ્યારે મહિલાએ તેને પૂછ્યું કે શું થયું તો બાળકી રડતી રહી. અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ તેના પતિને ઘટના વિશે જણાવ્યું ત્યારબાદ પોલીસને આ બાબતની જાણ કરી. પીડિત (બાળકી)ને મેડિકલ તપાસ અને સારવાર માટે એઈમ્સમાં મોકલવામાં આવી છે. પોલીસે ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યા બાદ તપાસ હાથ ધરી અને બે આરોપીઓની ધરપકડ કરી છે. જેઓ કથિત રીતે છોકરીને જંગલની અંદર લઈ ગયા હતા.
