નવીદિલ્હી
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. દિલ્હીમાં સતત બીજા દિવસે ઠંડીનું મોજું હતું, દક્ષિણપશ્ચિમ દિલ્હીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન ૧.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પણ હાડ થીજવતી ઠંડી ચાલુ રહી હતી. જાેકે કાશ્મીરમાં થોડી રાહત મળી હતી.રાજસ્થાનમાં, સિકરના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન ૦.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ચુરુમાં ૧ ડિગ્રી નોંધાયું હતું, દિલ્હીની સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ડેલહાઉસી (૮.૭ ડિગ્રી સેલ્સિયસ), ધર્મશાલા (૫.૪ ડિગ્રી), શિમલા (૬.૨ ડિગ્રી), દેહરાદૂન (૪.૪ ડિગ્રી), મસૂરી કરતાં ઓછું હતું. અને નૈનીતાલ (૬.૫ ડિગ્રી) કરતાં નીચું હતું. ઉત્તરપશ્ચિમ ભારત અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત્ રહી હતી. તેનાથી માર્ગ, રેલ અને હવાઈ વાહનવ્યવહારને અસર થઈ હતી. ખરાબ હવામાનના કારણે દિલ્હીમા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ ૩૦ ફ્લાઈટ્સ અને ૨૬ ટ્રેનોમાં વિલંબ થયો હતો. નારનૌલ હરિયાણાનું સૌથી ઠંડું સ્થળ બન્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન ૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબમાં બાલાચૌરમાં ૩.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
