નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સલીમ દુરાનીનું અવસાન થયું છે. ૮૮ વર્ષના દિગ્ગજ ખેલાડી સલીમ દુરાની કેન્સરથી પીડાતા હતા. મળતી વિગતો પ્રમાણે તેમણે જામનગરમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. દુરાનીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને ૧૯૬૦માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં જન્મેલા દુરાની કરાચીમાં પણ રહી ચૂક્યા છે. દુરાની એવા ખેલાડી હતા કે તેઓ દર્શકોની માંગ પર છગ્ગો ફટકારવામાં સક્ષમ હતા. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્નમાં રમી હતી. અફઘાનિસ્તાનમાં જન્મેલા અને ભારત માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમનારા સલીમ દુરાનીએ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ દર્શકોની માંગ પર બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી દેતા હતા. દર્શકો રમતમાં રોમાંચ લાવવા માટે દુરાનીને છગ્ગો જાેવાની ઈચ્છા થાય ત્યારે તેઓ આમ કરી પણ બતાવતા હતા. દુરાની ભારત તરફથી કુલ ૨૯ ટેસ્ટ મેચ રમ્યા છે અને આ દરમિયાન તેમણે ૧૨૦૨ રન બનાવ્યા છે, જેમાં ૧ સતક અને ૭ અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેઓ બોલિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમણે પોતાના કરિયરમાં ૭૫ વિકેટો પણ લીધી છે. દુરાની લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરતા હતા. સલીમ દુરાનીએ ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ ૧૯૭૩માં ૬ ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમી હતી. તેમની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. સલીમ દુરાનીનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં ૧૧ ડિસેમ્બર ૧૯૩૪માં થયો હતો. સલીમ દુરાનીએ ૧ ડિસેમ્બર ૧૯૬૦માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યા છે. જેમાં ૧૯૫૩માં તેઓ સૌરાષ્ટ્ર તરફથી રમ્યા હતા, જે બાદ ૧૯૫૪થી ૧૯૫૬ દરમિયાન ગુજરાત અને ૧૫૬થી ૧૯૭૮ દરમિયાન રાજસ્થાન તરફથી રમ્યા હતા. સલીમ દુરાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૧૭૦ મેચ રમ્યા છે, જેમાં તેમણે ૮૫૪૫ રન બનાવ્યા છે. જેમાં ૧૪ સેન્ચ્યુરી અને ૪૫ હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. તેમણે અહીં કુલ ૪૮૪ વિકેટ પણ લીધી છે.