નવીદિલ્હી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માગતો લેટર લખ્યો છે, જેમાં તેમણે વધારે માનવ સહાય મોકલવાની વાત કહી છે. બીજી તરફ, યુક્રેનના નાયબ વિદેશમંત્રી એમિન ઝાપારોવાએ આ લેટર વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીને એક બેઠક દરમિયાન આપ્યો હતો. લેટરમાં દવાઓ અને તબીબી સાધનો સહિત વધારાની માનવ સહાય પૂરી પાડવા અંગે લખવામાં આવ્યું છે. આ જ સમયે યુક્રેનના નાયબ વિદેશમંત્રી એમિન ઝાપારોવાએ ભારતને ચીન અને પાકિસ્તાન અંગે સલાહ આપી હતી. તેમનું કહેવું છે કે ભારત એ દુશ્મનોને ઓળખે, જેઓ વિચારે છે કે તેઓ ખોટું કરીને બચી જશે. માનવામાં આવી રહ્યું છે કે તેમનો આ સંકેત ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન માટે હતો. નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સને સંબોધતાં એમિન ઝાપારોવાએ કહ્યું – ગયા વર્ષે યુક્રેન પર થયેલા રશિયાના હુમલા પહેલાંની ઘટનાઓ આ વાતનું ઉદાહરણ છે કે ખરાબ પાડોશી સાથે કેવો વ્યવહાર કરવો જાેઈએ. ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો મુશ્કેલ રહ્યા છે. ક્રિમિયામાં જે થયું એનાથી ભારતે બોધપાઠ લેવો જાેઈએ. જ્યારે પણ કંઈ ખોટું થાય છે; જાે એને રોકવામાં ન આવે તો એ એક મોટી સમસ્યા બની જાય છે. ૨૦૧૪માં રશિયાએ યુક્રેનના ક્રિમિયા પર આક્રમણ કરીને એને કબજે કરી લીધું હતું. ૨૦૧૬માં યુક્રેન સમજી ગયું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. એ સમયે પુતિને યુક્રેનની સરહદ પર વિશાળ સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા હતા. જાેકે ઝાપારોવાએ ભારત-રશિયા ઓઈલ ડીલનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટ કર્યું કે યુક્રેન ભારતને એ જણાવવાની સ્થિતિમાં નથી કે તેમણે અન્ય દેશો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખવા જાેઈએ. હકીકતમાં યુક્રેન પર હુમલા બાદ રશિયા પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. એમ છતાં ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે અને એના દ્વારા તેઓ પોતાના નાગરિકોને રાહત આપી રહ્યું છે. એમિન ઝાપારોવાએ કહ્યું- અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની રશિયાની મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું- યુક્રેન યુદ્ધને લઈને પીએમ મોદી સહિત વિશ્વના નેતાઓની પ્રતિક્રિયાઓ પર નજર રાખી રહ્યું છે. અમે નેતાઓની મુલાકાતો પર પણ નજર રાખી રહ્યા છીએ. એનએસએ અજિત ડોભાલ ત્રણ વખત મોસ્કો ગયા હતા. જાે તેઓ યુક્રેન આવે તો તેમનું સ્વાગત છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ યુક્રેન આવે. ભારતને વિશ્વનેતા ગણાવતા યુક્રેનના નાયબ વિદેશમંત્રીએ કહ્યું- અમે ભારતને વિશ્વગુરુ તરીકે જાેઈએ છીએ. કેટલાક દેશો એવા છે, જે મિત્રતા અને શાંતિને બદલે યુદ્ધમાં માને છે, પરંતુ ભારત વિશ્વગુરુ તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અમે યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. એ જ સમયે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીને ય્-૨૦માં આમંત્રણ આપવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું- ભારત આ વર્ષે જી-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ફોન કરીને યુદ્ધથી જે સંકટ ફેલાયું છે એના પર પ્રકાશ પાડી શકે છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સપ્ટેમ્બર ૨૦૨૩માં જી-૨૦ સમિટને સંબોધન કરીને પણ ખુશ થશે.
