નવીદિલ્હી
યુક્રેનના રક્ષા મંત્રાલય દ્વારા કરાયેલી એક ટ્વીટમાં માતા કાલીની એક તસવીર શેર કરાઈ. જેને લઈને ટિ્વટર પર યૂઝર્સના રિએક્શન આવ્યા છે. યૂઝર્સે તેને ભારતીયોની ભાવનાને ઠેસ પહોંચાડનારી અને અસંવેદનશીલ કૃત્ય ગણાવ્યું. યૂઝર્સના ગુસ્સા આગળ યુક્રેનના રક્ષા મંત્રાલયે ઝૂકવું પડ્યું અને પોતાની ટ્વીટ ડિલીટ કરવી પડી. શું છે આ સમગ્ર મામલો?… તે જાણો.. તસવીરમાં કથિત રીતે દેવી કાલીને ધૂમાડાના ગુબ્બારા પર દેખાડવામાં આવ્યા હતા. યુક્રેનના રક્ષા મંત્રાલયે વર્ક ઓફ આર્ટ કેપ્શન હેઠળ આ તસવીર શેર કરી હતી. જેને લઈને અનેક ભારતીય ટિ્વટર યૂઝર્સે રોષ વ્યક્ત કર્યો. ઘણા યૂઝર્સે વિદેશ મંત્રી એસ જયશંકરને હસ્તક્ષેપ કરવાની પણ માંગણી કરી. યૂઝર્સે રોષ વ્યક્ત કર્યા બાદ યુક્રેનના રક્ષામંત્રાલયે આ ટ્વીટ હટાવી દીધી. એક યૂઝરે ટ્વીટ કરી કે હિન્દુ દેવી માતા કાલીની મજાક ઉડાવતા યુક્રેનના રક્ષા હેન્ડલની જાેઈને હું બિલકુલ ચકિત છું. આ સંવેદનહીનતા અને અજ્ઞાનતાનું ઘોર પ્રદર્શન છે. હું તેમને આપત્તિજનક સામગ્રી હટાવવાની અને માફી માંગવાનો આગ્રહ કરું છું. તમામ ધર્મો અને માન્યતાઓનું સન્માન સર્વોપરી છે. ભારતમાં અનેક નારાજ ટિ્વટર યૂઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એલોન મસ્ક અને ભારતના વિદેશમંત્રી એસ જયશંકરને ટેગ કરવાનું શરૂ કરી દીધુ અને તેમને કડક કાર્યવાહીના આગ્રહ કર્યા.
