નવીદિલ્હી
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. એક ઘાયલ જવાનની હાલત ગંભીર છે. ઓપરેશન દરમિયાન અન્ય ત્રણ જવાન ઘાયલ થયા છે. હાલમાં પણ આ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ છે. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ઘાયલ જવાનોને કમાન્ડ હોસ્પિટલ ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા. આ ગોળીબાર રાજૌરી જિલ્લાના બાન્યારી પહાડી વિસ્તારમાં ડોકમાં થયો હતો. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (છડ્ઢય્ઁ) જમ્મુ ઝોન મુકેશ સિંહે પુષ્ટિ કરી હતી કે એન્કાઉન્ટર કાંડી જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. રાજૌરી જિલ્લાના કાંડી ટોલના કેસરી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજૌરી એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઘણા આતંકીઓ ઘેરાયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. આતંકવાદીઓ બે જૂથમાં છે. ડીજીપી દિલબાગ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચવાના છે. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી પર ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ડીજીપીએ કહ્યું કે દળોની સંયુક્ત ટીમ સંદિગ્ધ સ્થળ તરફ આગળ વધી રહી હતી. એ સમયે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જેમાં જવાબી કાર્યવાહી કરવામાં આવી અને એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે તાજેતરના દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘણી અથડામણ થઈ છે, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના વાનીગામ પયીની ક્રિરી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ ગુરુવારે વહેલી સવારે ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું જ્યારે આતંકવાદીઓએ દળોની સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો, જેના પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. એકે ૪૭ રાઇફલ અને પિસ્તોલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો, એન્કાઉન્ટર સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.