નવીદિલ્હી
છૂટક ફુગાવાનો દર એપ્રિલ મહિનામાં ૪.૭ ટકા સાથે ૧૮ મહિનાના તળિયે નોંધાયો હતો.નેશનલ સ્ટેટિસ્ટીકલ ઑફિસ (એનએસઓ)ના જણાવ્યા પ્રમાણે શાકભાજી, ખાદ્ય તેલો અને ચરબીયુક્ત પદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવાનો દર નીચો આવ્યો છે. આ સાથે ફુગાવાનો દર આરબીઆઇની ૪ ટકાના લક્ષ્યાંકની નજીક પહોંચ્યો છે. સતત બીજા મહિને ફુગાવાનો દર ૬ ટકાથી નીચો નોંધાયો છે. કેન્દ્ર સરકારે ફુગાવાનો દર ૪ ટકાની આસપાસ રહે એ માટે પગલાં ભરવા કેન્દ્રીય બેન્કને નિર્દેશ આપ્યો હતો. માર્ચ ૨૦૨૩માં છૂટક ફુગાવાનો દર ૫.૬૬ ટકા હતો. એનએસઓના જણાવ્યા પ્રમાણે એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના બાસ્કેટમાં ફુગાવાનો દર ગત એપ્રિલમાં ૩.૮૪ ટકા હતો. આઇસીઆરએના ચીફ ઇકોનોમિસ્ટ અદીતી નાયરે ફુગાવાના આંકડા અંગે જણાવ્યું હતું કે ફુગાવાનો દર મેથી જૂન ૨૦૨૩ દરમિયાન ૪.૭થી ૫ ટકાની વચ્ચે રહેવાની શક્યતા છે. કોમોડીટી પાર્ટીસીપન્ટ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના વડા નરીન્દર વાધવાએ કહ્યું હતું કે રિટેલ ફુગાવાનો નીચો દર ગ્રાહકોના હિતમાં છે. દેશમાં ગત માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન ૧.૧ ટકા સાથે છેલ્લા પાંચ મહિનામાં સૌથી ઓછું નોંધાયું હતું. ખાસ કરીને વીજ ઉત્પાદન તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના નબળા પરિણામોને કારણે માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. છેલ્લે ઓક્ટોબર ૨૦૨૨માં ૪.૧ ટકા ઔદ્યોગિક ઉત્પાદન નોંધાયું હતું. એનએસઓ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર માર્ચ ૨૦૨૩માં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન ૦.૫ ટકા નોંધાયું હતું જે એક વર્ષ પહેલા આ જ મહિનામાં ૧.૪ ટકા નોંધાયું હતું.
