નવીદિલ્હી
દેશના ટોચના પાંચ કોર્પોરેટ ગૃહો સામે મોટુ નિશાન ટાંકતા રિઝર્વ બેન્કના પુર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ જણાવ્યું હતું કે રિલાયન્સ, અદાણી, ટાટા સહિતના પાંચ મોટા ઉદ્યોગગૃહોનું વિભાજન કરી નાંખવું જાેઈએ. કારણ કે આ પાંચ ગૃહો પ્રાઈઝીંગ પાવર એટલે કે ભાવ નિશ્ર્ચિત કરવાની મોટી તાકાત ધરાવે છે અને તેના કારણે રિટેલ ઉપરાંત કુદરતી સ્ત્રોત, ટેલીકોમ્યુનીકેશન સહિતના ક્ષેત્રમાં સતત ઉંચો ફુગાવો રહે છે. આચાર્યએ આ કોર્પોરેટ ગૃહના નામ સાથે જણાવ્યું કે રીલાયન્સ, ટાટા, આદીત્ય બિરલા, અદાણી અને ભારતીય ટેલીકોમ નાની કંપનીઓના ભોગે મોટા બન્યા છે. ૨૦૧૭ થી ૨૦૧૯ વચ્ચે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર રહી ચૂકેલા શ્રી આચાર્યએ જણાવ્યું કે સરકારી નીતિને કારણે આ પાંચ ઔદ્યોગીક ગૃહો વિદેશી સ્પર્ધકોને પ્રવેશવા દેતા નથી.તેઓએ જણાવ્યું કે ભાવ સપાટી સતત ઉંચી રાખીને આ ઔદ્યોગીક ગૃહો ફુગાવાને વેગ આપે છે. હાલ ન્યુયોર્ક યુનિ.માં ઈકોનોમીના પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા આચાર્યએ જણાવ્યું કે આ મોટા ઉદ્યોગગૃહોનું વિભાજન કરીને સ્પર્ધા વધારવી તે જ સૌથી મોટી આવશ્યકતા છે. કારણ કે તેનાથી આ કોર્પોરેટ ગૃહોનો પ્રાઈઝીંગ પાવર એટલે કે ભાવ નકકી કરવાની જે તાકાત છે તે ઘટશે. આ પાંચ મોટી કંપનીઓના કારણે દેશમાં જે ઈનપુટ મટીરીયલના ભાવ ઘટે છે તેનો પુરેપુરો લાભ ગ્રાહકોને મળતો નથી. કારણ કે તે ઉત્પાદન ઉપરાંત કુદરતી સ્ત્રોતો પર મોટો અંકુશ ધરાવે છે. તેમણે કહ્યું કે ગત વર્ષે વિશ્ર્વમાં ફુગાવો ઘટયો છતાં પણ ભારતમાં ઉંચો રહ્યો છે. તેમણે ભારતમાં સતત વ્યાજદર વધારાની નીતિ સામે પણ વિરોધ કર્યો હતો. આરબીઆઈના ગવર્નર તરીકે પણ શ્રી આચાર્યની છાપ આખાબોલા તરીકેની હતી અને તેઓએ પોતાની ટર્મના છ માસ પુર્વે જ રાજીનામુ આપી દીધુ હતું.