નવીદિલ્હી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ક્રિકેટ મેચ માટે ભારતીય ટીમ તેની તૈયારીને આખરી ઓપ આપી રહી છે ત્યારે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટમાં ટીમને સફળતા મળે તેવી આશા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું ક ઇંગ્લેન્ડમાં હવામાનની સ્થિતિ પડકારજનક હોય છે અને તેમાં પૂરતી તૈયારી કરનારી ટીમને સફળતા હાંસલ થતી હોય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. આ અગાઉ આઈસીસીના એક કાર્યક્રમમાં બોલતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં બેટિંગ કરવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે ચર્ચા કરી હતી. રોહિત શર્માએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓ બેટર્સ માટે પડકારજનક હોય છે. જાે તમે પૂરતી તૈયારીઓ કરી હશે તો તમને સફળતા મળી શકે છે. પોતાના વ્યક્તિગત અને ઇંગ્લેન્ડમાં ભૂતકાળના અનુભવના આધારે રોહિત શર્માએ સ્વિકાર્યું હતું કે ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓ ઘણી જ પડકારજનક છે. તમને સતત પડકારો મળતા રહે છે. તમારે સતત ધ્યાન કેન્દ્રીત કરી રાખવાની જરૂર હોય છે. કોઈ બોલર્સને ટાર્ગેટ બનાવતા પહેલાં તમારે ઘણા લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રીત કરી રાખવું પડે છે. સૌથી વધારે અગત્યનું એ છે કે તમારે મેદાનમાં મક્કમ મનોબળ સાથે ઉતરવાની જરૂર હોય છે અને તમારી તાકાત શું છે તેને સારી રીતે સમજવી પડે છે. આમ થાય તો જ તમે ધાર્યું કરી શકો છો અને સફળ રહી શકો છો તેમ રોહિતે ઉમેર્યું હતું. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ હાલમાં જ સમાપ્ત થયેલી આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા. તેથી હવે તેમને ટી૨૦માંથી ટેસ્ટના ફોર્મેટમાં અનુકૂળ થવાનું છે. રોહિત શર્મા બે ફોર્મેટ વચ્ચેના ટ્રાન્ઝિસનમાંથી પસાર થવાનો અનુભવ ધરાવે છે. આ માટે તેણે એડેપ્ટેબિલિટી, માનસિક તાકાત અને સેલ્ફ-રિફ્લેક્શન પર ભાર મૂક્યો હતો. તેણે જણાવ્યું હતું કે એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં રમવું પડકારજનક બાબત છે. તમે સારી રીતે જાણો છો કે તમે અલગ-અલગ ફોર્મેટમાં રમી રહ્યા છો. માનસિક રીતે તમારે ઝડપથી અનુકૂળ થવાનું હોય છે અને તમારી ટેકનિકમાં ફેરફાર કરવાનો હોય છે. તમારે તમારી જાત સાથે વાતચીત કરવી પડે છે અને માનસિક રીતે તૈયાર રહેવાનું જરૂર હોય છે. રોહિત શર્મા ટેસ્ટને ક્રિકેટને સર્વોચ્ચ ફોર્મેટ ગણે છે. તેણે આ અંગે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ તમને સતત પડકારો આપતું રહે છે. તમારે કોઈ પણ પડકાર માટે સજ્જ રહેવું પડે છે. ટેસ્ટ ક્રિકટેમાં તમારી માનસિક ક્ષમતાની પણ કસોટી કરે છે. જાેકે, ટેસ્ટ ક્રિકેટ જ તમારી અંદરનું શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવે છે. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં અમને ઘણી સફળતા મળી છે. હવે ફક્ત એક જ પડકાર પાર કરવાનો છે. અમારે યુવાન ખેલાડીઓને તે વિશ્વાસ અપાવવાનો છે કે તમે સારું પ્રદર્શન કરી શકો છો. ટેસ્ટ ક્રિકેટમાં દરેક સત્રમાં પરિસ્થિતિ બદલાતી રહેતી હોય છે. ક્યારેક એકાદ સ્પેલ પણ મેચનું પાસું પલટી શકે છે તો ટીમનો ધબડકો થયા બાદ એકાદ બેટ્સમેન સેટ થઈને ટીમને ફરીથી મેચમાં લાવી શકે છે જ્યારે ટી૨૦માં આ શક્ય હોતું નથી.


