નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની ધમાકેદાર શરૂઆત કરતા રાજસ્થાન રોયલ્સની ટીમે પહેલી જ મેચમાં વિજય નોંધાવ્યો છે. ૨ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ રાજસ્થાને પહેલી બેટિંગ કરતાં ૫ વિકેટે ૨૦૩ રન બનાવ્યા હતા. રાજસ્થાનની ઇનિંગમાં ત્રણ ફિફ્ટીઓ નોંધાઈ હતી. કેપ્ટન સંજુ સેમસન સાથે ઓપનર જાેસ બટલર અને યશસ્વી જયસ્વાલે ફિફ્ટી ફટકારી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ ૮ વિકેટના નુકસાન પર માત્ર ૧૩૧ રન જ બનાવી શકી હતી. રાજસ્થાને આ મેચ ૭૨ રનના મોટા માર્જિનથી જીતી લીધી હતી. આ સાથે પહેલી જ મેચમાં સંજુ સેમસનની ટીમે જીત સાથે શુભારંભ કર્યો છે. રાજસ્થાનના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડના સિનિયર બેટર જાેસ બટલર સાથે મળીને એવી ધમાકેદાર શરૂઆત કરી હતી કે હૈદરાબાદની હાલત ખરાબ થઈ ગઈ. બંનેએ પહેલા ૨૨ બોલમાં પાર્ટનરશીપ કરતાં ૫૦ રન ફટકાર્યા હતા અને પાવરપ્લેમાં ૮૫ રન બનાવીને ટીમને મોટો સ્કોર અપાવ્યો હતો. સૌથી પહેલા બટલર ૨૨ બોલમાં ૫૪ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ વધુ આક્રમક બન્યો હતો અને તેણે ફિફ્ટી ફટકારી હતી. તેણે ૩૭ બોલમાં ૫૪ રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી હતી. બે વિકેટ પડ્યા બાદ કેપ્ટન સેંસને ૨૮ બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને ટીમે તેની પહેલી જ મેચમાં ૨૦૦ રનનો સ્કોર પાર કર્યો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમે તોફાની બેટિંગથી બનાવેલા ૨૦૩ રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમને ન્યૂઝીલેન્ડના શાનદાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં જ ચોંકાવી દીધી હતી. પહેલી જ ઓવરના ત્રીજા બોલ પર તેણે અભિષેક શર્માને ક્લીન બોલ્ડ કર્યો અને પછી ૫માં બોલ પર રાહુલ ત્રિપાઠીને સ્લિપમાં જેસન હોલ્ડરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે પહેલી જ ઓવરમાં બે ઝટકા હૈદરાબાદને લાગી ગયા હતા. ત્યાર પછી સ્પિનર પછી યુઝવેન્દ્ર ચહલે આવીને એક પછી એક ચાર વિકેટ ઝડપીને વિરોધી ટીમનો સંપૂર્ણ રીતે દમ તોડી દીધો હતો. તેણે ૪ ઓવરમાં ૧૭ રન આપીને આ ચાર સફળતાઓ હાંસલ કરી હતી. અને તેની ફીરકી કામ કરી ગઈ હતી.
