નવીદિલ્લી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારત જાેડો યાત્રાને લઈને રાહુલ ગાંધીના નેતૃત્વની પ્રશંસા કરીને કહ્યુ કે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો જ નહિ પરંતુ પ્રધાનમંત્રી પદનો પણ ચહેરો હશે. કોંગ્રેસ નેતા કમલનાથે આપેલા એક ઈમેલ ઈન્ટરવ્યુમાં આ વાત કહી. કમલનાથે કહ્યુ કે રાહુલ ગાંધી સત્તાની નહિ પરંતુ જનતાની રાજનીતિ કરે છે, આવા નેતાને દેશના લોકો જાતે જ સિંહાસન પર બેસાડી દે છે. તેમણે કહ્યુ કે દુનિયાના ઈતિહાસમાં કોઈએ પણ આટલી લાંબી પદયાત્રા નથી કરી. ગાંધી પરિવાર સિવાય કોઈ અન્ય પરિવારે દેશ માટે આટલી કુરબાનીઓ નથી આપી. કમલનાથે કહ્યુ કે, ‘રાહુલ ગાંધી સત્તા માટે નહિ પરંતુ દેશના જનતા માટે રાજનીતિ કરે છે. જનતા કોઈને પણ સત્તા પર બેસાડી શકે છે. મધ્ય પ્રદેશ ૭૬ વર્ષીય કોંગ્રેસ પ્રમુખ કમલનાથે એ પણ કહ્યુ હતુ કે સંગઠન સાથે દગો કર્યા પછી પાર્ટીમાં ‘ગદ્દારો’ માટે કોઈ સ્થાન નથી.’ જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય અમુક નેતાઓ કે જેમણે પાર્ટી છોડી દીધી છે તેઓ માટે ભવિષ્યમાં કોંગ્રેસમાં પાછા ફરવાનું શક્ય છે, તેના જવાબમાં તેમણે કહ્યુ, ‘હું કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે ટિપ્પણી કરતો નથી. પરંતુ જેમણે પાર્ટી સાથે દગો કર્યો, કાર્યકરોનો વિશ્વાસ તોડ્યો અને મધ્યપ્રદેશની જનતા સાથે છેતરપિંડી કરી, તેમના માટે કોંગ્રેસના દરવાજા બંધ છે. મધ્ય પ્રદેશમાં ભારત જાેડો યાત્રાએ તમામ રેકૉર્ડ તોડી દીધા કમલનાથે કહ્યુ, ‘જ્યારે ભારત જાેડો યાત્રા તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ભાજપે ખોટો પ્રચાર કર્યો કે યાત્રા મહારાષ્ટ્રમાં નિષ્ફળ જશે. જ્યારે મહારાષ્ટ્રમાં યાત્રાને વધુ સમર્થન મળ્યુ ત્યારે કહ્યુ કે હિન્દી પટ્ટીમાં દક્ષિણ ભારત જેવુ સમર્થન નહિ મળે પરંતુ મધ્યપ્રદેશમાં પહોંચીને યાત્રાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. હવે રાજસ્થાન અને પછી દિલ્લીમાં પણ બધાએ જાેયુ છે કે રાહુલ ગાંધીની યાત્રા કેટલી લોકપ્રિય બની રહી છે.’ કમલનાથે વધુમાં ઉમેર્યુ કે, ‘મધ્યપ્રદેશમાં ‘ભારત જાેડો યાત્રા’માં કોંગ્રેસના કાર્યકરોએ જ નહિ પરંતુ સામાન્ય જનતા અને ખાસ કરીને યુવાનોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.’ તેમણે કહ્યુ કે, ‘રાહુલ ગાંધી સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ‘ભારત જાેડો યાત્રા’ કોઈ રાજકીય યાત્રા નથી. આ યાત્રાનો હેતુ ભારતને તોડનારી શક્તિઓને હરાવવા અને નફરતનો અંત લાવવાનો છે. જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જંગી બહુમતી સાથે સરકાર બનશે તે નિશ્ચિત છે. ‘ભારત જાેડો યાત્રા’ પછી કાર્યકરો બમણા ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છે. કમલનાથે જૂની પેન્શન યોજના અંગે કહ્યુ કે, ‘મે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવશે. કૉન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ તેમના ન્યાયી અધિકારો આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ આ વચનો પૂરા થવાનુ નક્કી છે. મધ્ય પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી બદલવાની સ્થિતિમાં શું કોંગ્રેસ માટે પડકાર મુશ્કેલ હશે, તેના જવાબમાં કમલનાથે કહ્યુ કે એનાથી કોઈ ફરક નથી પડતો કે ભાજપ તરફથી મુખ્યમંત્રી કોણ છે. તેમણે કહ્યુ, ‘ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં કોને મુખ્યમંત્રી બનાવે છે તે પાર્ટીનો આંતરિક મામલો છે. મધ્યપ્રદેશની જનતાએ ૨૦૧૮માં કોંગ્રેસને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ભાજપ જે પણ મુખ્યમંત્રી બનાવે તે હોર્સ-ટ્રેડિંગની સરકારનો પ્રમુખ હશે.
