નવીદિલ્હી
પાકિસ્તાન અને શ્રીલંકામાં ૩૦ ઓગસ્ટથી યોજાનારા એશિયા કપમાં રમવા માટે ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં તૈયાર છે. ૧૭ સભ્યોની ટીમમાં કુલદીપ યાદવના રૂપમાં એક સ્પેશ્યલ સ્પિનરને જગ્યા મળી છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલિંગની લગામ જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણા સંભાળશે. આ ટુર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધી શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાશે. એશિયા કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં કેએલ રાહુલ અને ઈશાન કિશન વિકેટકીપર તરીકે છે. રોહિત શર્મા સિવાય બેટ્સમેન તરીકે વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર અને તિલક વર્મા છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત ૨૦૧૮માં રોહિતની કેપ્ટનશીપમાં એશિયા કપ જીત્યો હતો. તે ટીમના ૧૧ ખેલાડીઓને હવે ટીમની બહાર કરવામાં આવ્યા છે. ૨ ખેલાડીઓએ નિવૃત્તિ પણ લઈ લીધી છે. તો સાથોસાથ શિખર ધવન સહિત ૪ ખેલાડીઓની હવે વાપસી થવાની સંભાવના નથી. શિખર ધવન સિવાય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક અને કેદાર જાધવ ટીમ ઈન્ડિયાની રેસમાંથી બહાર થઈ ગયા છે. સાથે ખલીલ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર, મહેન્દ્ર સિંહ ધોની, મનીષ પાંડે, અંબાતી રાયડુ અને સિદ્ધાર્થ કૌલ છેલ્લા એશિયા કપમાં દેખાયા હતા પણ નવી ટીમનો ભાગ નથી. ધોની અને રાયડુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. શિખર ધવને ગયા એશિયા કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. ધવને ૫ ઇનિંગ્સમાં ૬૮ની એવરેજથી ૩૪૨ રન બનાવ્યા હતા. ૨ સદી ફટકારી હતી. ૧૨૭ રનનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ૩૭ વર્ષીય ધવને વન ડે ક્રિકેટમાં ૧૭ સદી અને ૩૯ અડધી સદીના આધારે એકંદર વનડેની ૧૬૪ ઇનિંગ્સમાં ૬૭૯૩ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ ૯૧ રહ્યો છે. આ ઉપરાંત તેણે ટેસ્ટમાં ૭ સદી પણ ફટકારી છે. ૨૦૧૮ના એશિયા કપની વાત કરીએ તો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને લેગ-સ્પિનર ??યુજવેન્દ્ર ચહલ બંનેએ ૬-૬ વિકેટ લીધી હતી. દીપક ચહરને એક મેચમાં તક મળી અને તેણે પણ એક વિકેટ લીધી. બાદમાં હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. અંબાતી રાયડુએ ૬ મેચમાં ૨ અડધી સદીની મદદથી ૧૭૫ રન બનાવ્યા જ્યારે એમએસ ધોનીએ ૪ ઇનિંગ્સમાં ૭૭ રન બનાવ્યા. વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ૫ ઇનિંગ્સમાં ૧૪૬ રન બનાવ્યા હતા. ૪૪ રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. બીજી તરફ, કેદાર જાધવે ૩ ઇનિંગ્સમાં ૮૦ રન બનાવ્યા હતા અને સ્પિનર ??તરીકે ૬ વિકેટ પણ લીધી. મનીષ પાંડે ૨૦૧૮માં એક મેચમાં માત્ર ૮ રન બનાવી શક્યો હતો. ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલને પણ એક જ મેચમાં તક મળી હતી અને તે વિકેટ લઈ શક્યો નહોતો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહેમદે ૨ મેચમાં ૪ વિકેટ લીધી હતી. ડાબોડી સ્પિનર ??કુલદીપ યાદવે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ૧૦ વિકેટ લીધી હતી. ૨૦૨૩ એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમની વાત કરીએ તો, તિલક વર્માની પ્રથમ વખત વનડે માટે પસંદગી કરવામાં આવી છે. હાલમાં જ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી૨૦ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ તિલકને ટીમમાં સ્થાન આપવાની વાત કરી રહ્યા હતા. ગયા વર્ષના એશિયા કપમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી. આવી સ્થિતિમાં, ટીમ તે પ્રદર્શનને પાછળ છોડવા માંગશે અને ફરીથી એક વખત ટાઇટલ જીતવા મહેનત કરશે.

