નવીદિલ્હી
બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટમાં પ્રથમ દાવમાં ૩૮૨ રન ખડક્યા બાદ અફઘાનિસ્તાનને ૧૪૬ રન સુધી સિમિત રાખવામાં સફળ રહ્યું હતું. ઈબાદત હુસૈને સર્વોચ્ચ ચાર વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બાંગ્લાદેશે પ્રવાસી ટીમને ફોલોઓન આપવાનું ટાળ્યું હતું અને બીજાે દાવ લીધો હતો. બીજા દાવમાં બાંગ્લાદેશે બીજા દિવસની રમતના અંતે એક વિકેટે ૧૩૪ રન કરતાં ૩૭૦ રનની મજબૂત લીડ પ્રાપ્ત કરી લીધી છે. મિરપુર ટેસ્ટમાં બીજા દિવસે વિકેટનો વરસાદ થયો હતો અને કુલ ૧૬ વિકેટો પડી હતી. બાંગ્લાદેશે અગાઉના તેના પાંચ વિકેટે ૩૬૨ રનના સ્કોરથી બીજા દિવસની રમત આગળ ધપાવી હતી. બાંગ્લાદેશે ૨૦ રનમાં જ બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને ૩૮૨ રનના સ્કોર પર ઓલ આઉટ થયું હતું. અફઘાનના બોલર નિજાત મસુદે ૭૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. બીજીતરફ અફઘાનિસ્તાનના બેટ્સમેનોને બાંગ્લાદેશના બોલર્સ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો અને ૩૯ ઓવરમાં ૧૪૬ રનમાં સમગ્ર ટીમ સમેટાઈ જતા બાંગ્લાદેશને ૨૩૬ રનની નોંધપાત્ર લીડ મળી હતી. બાંગ્લાદેશે બીજા દાવમાં મહમુદુલ હસન જાેયની (૧૭) વિકેટ ઝડપથી ગુમાવી હતી. બીજા દિવસે સ્ટમ્પ્સ વખતે ઝાકિર હસન અને નજમુલ શન્ટો બન્ને ૫૪ રન કરીને રમતમાં હતા. નજમુલે પ્રથમ દાવમાં સદી ફટકારતા બાંગ્લાદેશે પ્રથમ દિવસે જ મજબૂત પકડ મેળવી હતી. બાંગ્લાદેશના બોલર ઈબાદત હુસૈને અફઘાનિસ્તાનની ચાર વિકેટ ઝડપી હતી. શોરિફુલ, તૈજુલ અને મેહિદીએ બે-બે વિકેટ મેળવી હતી. જ્યારે નાસિર જમાલે ૩૫ રનની ઈનિંગ્સ રમી હતી. કરિમ જનતના ૨૩ રનને બાદ કરતા અન્ય કોઈ અફઘાની બેટર ૨૦ રન પણ નોંધાવી શક્યો નહતો.


