Delhi

વિમેન્સ એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો વિજય

નવીદિલ્હી
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલી એશિઝ ક્રિકેટ સિરીઝની એકમાત્ર વિમેન્સ ટેસ્ટમાં સોમવારે સવારે ઇંગ્લેન્ડનો બીજા દાવમાં ધબડકો થતાં ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ ૮૯ રનથી જીતી લીધી હતી. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી મેચના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ તેના બીજા દાવમાં ૧૭૮ રનમાં આઉટ થઈ ગયું હતું. તેણે પાંચ વિકેટે ૧૧૬ રનના સ્કોરથી દિવસની રમત આગળ ધપાવી હતી. ઇંગ્લેન્ડના બીજા દાવમાં ડેની વેઇટે લડત આપી હતી અને ૫૪ રન ફટકાર્યા હતા પરંતુ તેને અન્ય કોઈ તરફથી સહયોગ સાંપડ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા માટે ઓફ સ્પિનર એશ્લે ગાર્ડનરે બીજા દાવમાં ૬૬ રન આપીને આઠ વિકેટ ઝડપી હતી. આમ તેણે મેચમાં ૧૨ વિકેટ ખેરવી હતી. આ વિજય સાથે ઓસ્ટ્રેલિયાને ચાર પોઇન્ટ મળ્યા હતા. બંને ટીમ વચ્ચે હવે વન-ડે અને ટી૨૦ ઇન્ટરનેશનલ મેચની સિરીઝ રમાશે. આ સાથે ઓસ્ટ્રેલિયા ૧-૦ની સરસાઈ પર છે કેમ કે બંને ટીમ વચ્ચે એશિઝ માટે માત્ર ટેસ્ટ જ નહીં પરંતુ વન-ડે અને ટી૨૦ને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે બંને વચ્ચે લિમિટેડ ઓવરની છ મેચ રમાશે જેમાં એશિઝ જાળવી રાખવા માટે ઇંગ્લેન્ડે પાંચ મેચ જીતવી ફરજિયાત બની ગયું છે. ૨૦૧૫ બાદ ઇંગ્લેન્ડની મહિલા ટીમ એશિઝથી વંચિત રહી છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી એશિઝ વિમેન્સ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૪૩૭ રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો જેમાં એન્નાબેલ સધરલેન્ડે અણનમ ૧૩૭ રન ફટકાર્યા હતા તો એલિસી પેરીએ ૯૯ રન ફટકાર્યા હતા. તાહિલા મેકગ્રાએ ૬૧ રનનું યોગદાન આપ્યું હતું.જાેકે ઇંગ્લેન્ડે પણ મજબૂત વળતો પ્રહાર કર્યો હતો. જેમાં ટેમ્મી બ્યુમોન્ટે ઇંગ્લેન્ડના વિમેન્સ ક્રિકેટ ઇતિહાસની સૌ પ્રથમ બેવડી સદી ફટકારતાં ૨૦૮ રનનું યોગદાન આપ્યું હતું તો કેપ્ટન હિથર નાઇટે ૫૭ અને નટ સિવર બ્રન્ટે ૭૮ રન ફટકાર્યા હતા. બીજા દાવમાં બેથ મૂનીના ૮૫ રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૨૫૭ રનનો સ્કોર રજૂ કરતાં ઇંગ્લેન્ડને ૨૬૮ રનનો ટારગેટ મળ્યો હતો. જાેકે ઇંગ્લેન્ડ ૧૭૮ રન કરી શક્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે એશ્લે ગાર્ડનરે ૧૨ વિકેટ ખેરવી હતી તો ઇંગ્લેન્ડ માટે આ મેચમાં સોફી એકેલસ્ટોને દસ વિકેટ ઝડપી હતી. બંને ટીમ વચ્ચે હવે પહેલી જુલાઈથી ટી૨૦ મેચની સિરીઝ રમાશે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *