નવીદિલ્હી
બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે છે અને તેણે અહીં ટેસ્ટ શ્રેણીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ૪ વિકેટે હરાવ્યા બાદ પાકિસ્તાને બીજી ટેસ્ટ એક ઇનિંગ અને ૨૨૨ રને જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ટેસ્ટ ખતમ થયા બાદ જ્યારે બાબર ડ્રેસિંગ રૂમમાં પરત ફરી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો તેનું નામ લેવા લાગ્યા હતા. તેમાં કેટલાક બાળકો પણ હતા. બાબર તેને જાેઈને અટકી ગયો હતો. આ દરમિયાન એક બાળકે તેની પાસે જર્સી માંગી હતી. બાબરે પણ તેનું દિલ તોડ્યું નહીં અને તરત જ જર્સી ઉતારીને ભેટમાં આપી દીધી હતી. પરંતુ જર્સી ઉતાર્યા બાદ તેણે અંદર શું પહેર્યું હતું તે અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બાબર આઝમે તેની જર્સી ઉતારતાની સાથે જ તેની નીચે વેસ્ટ અથવા બનિયન પહેર્યું હતું, જે સ્પોર્ટ્સ બ્રા જેવી લગતી હતી. બસ, પછી ટિ્વટર પર આ વિશે ચર્ચા શરૂ થઈ હતી. ચાહકો પણ વિચારમાં પડી ગયા કે બાબરે આ ખાસ વેસ્ટ શા માટે અને શા માટે પહેરી છે. ફૂટબોલમાં આ પ્રકારની વેસ્ટ સામાન્ય છે, પરંતુ બહુ ઓછા ક્રિકેટરો આવી વેસ્ટ પહેરે છે. પણ તેના કેટલાક ગજબ ફાયદાઓ છે. માત્ર ક્રિકેટમાં જ નહીં, ફૂટબોલમાં પણ ખેલાડીઓ આ પ્રકારની વેસ્ટ પહેરે છે. આનાથી ખેલાડીઓને વાસ્તવિક સમયમાં તેમનું પ્રદર્શન સુધારવામાં મદદ મળે છે અને એ પણ જાણી શકાય છે કે તેઓએ કેટલી મહેનત કરી છે અને ક્યારે તેમને આરામની જરૂર છે. તેને કમ્પ્રેશન વેસ્ટ કહેવામાં આવે છે, જે સ્પોર્ટ્સ બ્રા જેવી દેખાય છે પરંતુ તેમાં ઘણી અલગ વિશેષતાઓ છે. તેમાં એક ઉપકરણ છે, જે પાછળ સાથે જાેડાયેલ છે. તે ખૂબ જ હલકું છે. આ ઉપકરણમાં જીપીએસ પર્ફોર્મન્સ ટ્રેકર છે, જે રેકોર્ડ કરે છે કે મેચ અથવા ટ્રેનિંગ દરમિયાન તેના હૃદયના ધબકારા કેટલા હતા. ખેલાડી કેટલું દોડ્યો છે, તેમાં અંતર અને દોડ દરમિયાન ઝડપનો રેકોર્ડ પણ તેમાં નોંધાયેલ રહે છે. ભારતીય ખેલાડીઓ પણ તેનો ઉપયોગ કરે છે. આના પરથી મેળવેલી માહિતીનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે, જે કન્ડીશનીંગ કોચ અને વિશ્લેષક દ્વારા જાેવામાં આવે છે અને ત્યારબાદ ખેલાડીની આગળની ફિટનેસ અથવા ટ્રેનિંગ રૂટિન તૈયાર કરવામાં આવે છે.
