નવીદિલ્હી
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન અનુક્રમે ૧૯૮૬ અને ૨૦૧૪થી એશિયા કપમાં ભાગ લઈ રહ્યા છે. ભલે બંને ટીમો એશિયા કપ જીતવામાં સફળ ન રહી હોય પરંતુ આ ટુર્નામેન્ટમાં તેણે મોટી ટીમોને હારનો આંચકો જરૂરથી આપ્યો છે. બાંગ્લાદેશે એશિયા કપના વન-ડે ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવી છે. આ સાથે જ અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ હરાવ્યું છે. તમારા મનમાં એ સવાલ જરૂરથી આવતો હશે કે આવું ક્યારે બન્યું તો આ વિષે જાણકારી આપીએ… વર્ષ ૨૦૧૨ના એશિયા કપમાં બાંગ્લાદેશે મીરપુર મેદાનમાં ભારતને ૫ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને ૨૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશે ૪૯.૨ ઓવરમાં આ લક્ષ્યને હાંસલ કરી લીધુ હતું. ત્યાં જ ૨૦૧૮ એશિયા કપમાં બાંગ્લાદેશની ટીમ દ્વારા પાકિસ્તાનને હરાવ્યું હતું. તે મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરતા ૨૩૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી અને ૫૦ ઓવરમાં માત્ર ૨૦૦ રન જ બનાવી શકી હતી. અફઘાનિસ્તાને પ્રથમ વખત વર્ષ ૨૦૧૪ના એશિયા કપમાં ભાગ લીધો હતો. તે ડેબ્યૂ સિઝનમાં જ તેણે બાંગ્લાદેશને હરાવ્યું હતું. મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૬ વિકેટના નુકસાન પર ૨૫૪ રન બનાવ્યા હતા. ત્યાં જ લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ ૨૨૨ રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી અફઘાનિસ્તાને એશિયા કપ ૨૦૧૮માં બાંગ્લાદેશને હરાવ્યું હતું. તે મેચમાં અફઘાન ટીમે ૨૫૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં વિરોધી ટીમ ૧૧૯ રનમાં સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશ વન-ડે ફોર્મેટમાં ૨ વખત (૨૦૧૨ અને ૨૦૧૮) એશિયા કપની ફાઈનલ રમ્યું છે. પરંતુ અફઘાનિસ્તાનની ટીમ એક વખત પણ ફાઇનલમાં પ્રવેશી શકી નથી. બાંગ્લાદેશે એશિયા કપના વન-ડે ફોર્મેટમાં ૪૩ મેચ રમી હતી, જેમાં તેણે ૭ મેચ જીતી હતી. ત્યાં જ અફઘાનિસ્તાન ૯ મેચ રમ્યું છે જેમાં તેણે ૩ મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમે વન-ડે ક્રિકેટમાં ૧૪૯ મેચ રમી છે. જેમાં તેણે ૭૩ મેચ જીતી છે. ત્યાં જ તેને ૭૧ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ૧ મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી અને ૪ મેચ અનિર્ણિત રહી હતી. ત્યાં જ બાંગ્લાદેશની ટીમ વન-ડે ક્રિકેટમાં ૪૧૫ મેચ રમી છે. આ દરમિયાન બાંગ્લાદેશે ૧૫૨ મેચ જીતી હતી. જ્યારે ૨૫૪ મેચમાં તેને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. બાંગ્લાદેશ ટીમની ૯ મેચ પણ રદ્દ કરવામાં આવી હતી. એશિયા કપ ૨૦૨૩માં આ બંને ટીમો શ્રીલંકા સાથે ગ્રુપ-બીમાં હાજર છે. આ ગ્રુપની ટોચની બે ટીમ સુપર-૪ માટે ક્વોલિફાય થશે.

