નવીદિલ્હી
પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં હાલમાં અખતરા કરી રહી છે અને તેનું પરિણામ તેના પરાજયમાં આવી રહ્યું છે. જાેકે ટી૨૦માં ભારતે ખાસ પરિવર્તન કર્યા નથી તેમ છતાં ગુરુવારે રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતે વન-ડે વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થવામાં પણ સફળ રહી ન હતી અને હાલમાં ટી૨૦માં પણ તે ભારત કરતાં ઘણો ઉતકતો ક્રમાંક ધરાવે છે ત્યારે તેની સામે આ રીતે પરાજય થાય તે બાબ પણ ચિંતાજનક છે. ગુરુવારે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને ૧૪૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ સ્કોર ભારતની જે પ્રકારની બેટિંગ લાઇન અપ હતી તે જાેતા આસાન લાગતો હતો પરંતુ તેમ છતાં ભારતનો ચાર રનથી પરાજય થયો હતો. આ મેચમાં ભારતની બેટિંગમાં ઉંડાણનો અભાવ જણાતો હતો તો પ્રારંભમાં ઉમદા બોલિંગ કર્યા બાદ બોલર્સે પણ ઘણા રન આપી દીધા હતા. યુઝવેન્દ્ર ચહલે ઉપરા ઉપરી બે સફળતા અપાવીને બ્રેન્ડન કિંગના ઝંઝાવાતને રોક્યો હતો તો કાયલ મેયર્સ અને જ્હોન્સન ચાર્લ્સને પણ સસ્તામાં આઉટ કરીને ભારતે શરૂઆતમાં પોતાનો દબદબો સ્થાપી દીધો હતો પંતુ નિકોલસ પૂરન અને રોવમેન પોવેલને રોકવામાં ભારતીય બોલર્સ અસમર્થ રહ્યા હતા.
તાજેતરમાં જ અમેરિકામાં લીગ ક્રિકેટમાં એમઆઈ ન્યૂયોર્કની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપીને ફાઇનલમાં શાનદાર સદી ફટકારનારા નિકોલસ પૂરન માટે ભારત પાસે કોઈ યોજના ન હોય તે દેખાઈ આવ્યું હતું. પૂરને પ્રારંભથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે આવતાની સાથે જ ઉપરા ઉપરી સિક્સર ફટકારીને ભારતના બોલર્સને આઘાતમાં ગરકાવ કરી દીધા હતા. જાેકે હાર્દિક પંડ્યાએ ૧૫મી ઓવરમાં તેને આઉટ કરીને રનનું આક્રમણ થોડા સમય માટે ખાળ્યું હતું. આમ છતાં બંને ટીમ વચ્ચેનો ફરક ઘણો રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે છેલ્લી પાંચ ઓવરમાં ૪૨ રન કર્યા હતા અને માત્ર બે જ વિકેટ ગુમાવી હતી તો આ જ ગાળામાં ભારતે ૩૧ રન કરવામાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ ઉપરાંત ભારતનું નબળું પાસું એ રહ્યું કે ૧૯મી ઓવરમાં અર્શદીપસિંઘે ચાર વાઇડ બોલ ફેક્યા હતા જેના ચાર રન ઉપરાંત કેરેબિયન ટીમને વધારાના ચાર બોલ રમવા મળ્યા હતા. અર્શદીપે આ ઓવરમાં શિમરોન હેતમાયર અને પોવેલની વિકેટો ઝડપી હતી પરંતુ તેની આ ઓવર મેચના પરિણામ પર અસર કરતી ગઈ હતી. ચહલની પહેલી ઓવર અને કુલદીપ યાદવની ચારેય ઓવરને બાદ કરતાં ભારતના તમામ બોલરે સાતથી વધુની સરેરાશથી રન આપી દીધા હતા જે પણ ભારત પક્ષે સારી બાબત ન હતી. અક્ષર પટેલે બે ઓવરમાં ૨૨ રન આપ્યા હતા તો અર્શદીપ અને મુકેશ કુમારે પણ આવી જ રીતે રનની લહાણી કરી હતી. હાર્દિક પંડ્યા પણ ખાસ અસરકારક રહ્યો ન હતો. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝના બોલર્સે શિસ્તબદ્ધ બોલિંગ કરી હતી. અકીલ હુસૈને તેની ચાર ઓવરમાં માત્ર ૧૭ રન આપ્યા હતા તો જેસન હોલ્ડર ચાર ઓવરમાં ૧૯ રન આપીને બે વિકેટ ખેરવી ગયો હતો. તેણે એક મેડન ઓવર પણ ફેંકી હતી જેનાથી ભારતના રનરેટ પર અસર પડી હતી. રહી વાત બેટિંગની તો પહેલી જ ટી૨૦ રમી રહેલા તિલક વર્માએ પ્રભાવિત કર્યા હતા. તેણે ટીમ માટે સર્વોચ્ચ સ્કોર નોંધાવતાં ૩૯ રન ફટકાર્યા હતા. તેની બાવીસ બોલની ઇનિંગ્સ જાેતાં ભારતનો વિજય આસાન લાગતો હતો. એ વખતે તેની સાથે સૂર્યકુમાર યાદવ રમી રહ્યો હતો. બંનેએ ટીમને મજબૂત સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન રમતા હતા ત્યારે પણ ભારત હારી જશે તેમ લાગતું ન હતું પરંતુ છેલ્લી પાંચ ઓવરમાં ૩૭ રનની જરૂર હતી અને છ વિકેટ જમા હતી ત્યાંથી ભારતના પતનનો પ્રારંભ થયો હતો. ભારતને ૧૬મી ઓવર ભારે પડી ગઈ હતી જેમાં હોલ્ડરે એક પણ રન આપ્યા વિના વિકેટ પણ લીધી હતી. હકીકતમાં આ ઓવરમાં ભારતે બે વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યાને હોલ્ડરે બોલ્ડ કર્યો હતો તો તેની સાથે સેટ થયેલો સંજુ સેમસન રનઆઉટ થયો હતો.


