નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડમાં શાનદાર જીત સાથે ટી-૨૦ શ્રેણીની શરૂઆત કરી છે. ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડની ટીમ ૭ વિકેટે ૧૩૯ રન જ બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ૬.૫ ઓવરમાં ૨ વિકેટે ૪૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. આખરે ડકવર્થ-લુઈસ નિયમના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝમાં ટી૨૦ સીરીઝની હારને ભૂલીને ભારતીય ટીમે નવા કેપ્ટન જસપ્રીત બુમરાહ સાથે આયર્લેન્ડ સામે જીત સાથે શરૂઆત કરી હતી. ઘાતક બોલિંગના આધારે ભારતે શરૂઆતના આંચકા આપીને આયર્લેન્ડની ટીમનો મોટો સ્કોર થતા અટકાવ્યો હતો. આયર્લેન્ડ તરફથી બેરી મેકકાર્થી આઠમા નંબરે આવ્યો હતો અને તેણે અડધી સદી ફટકારી ટીમને ૧૩૯ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ઓપનિંગ કર્યું હતું. જયસ્વાલ ૨૪ રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ઋતુરાજ ૧૯ રન બનાવીને અણનમ રહ્યો હતો. આયર્લેન્ડ સામેની પ્રથમ ્૨૦ મેચમાં વરસાદના વિક્ષેપની માહિતી પહેલાથી જ આપવામાં આવી હતી. વરસાદના કારણે ભારતની ઈનિંગની ૬.૫ ઓવર બાદ રમત રમાઈ શકી ન હતી. ત્યાં સમય સુધીમાં ભારતીય ટીમે ૨ વિકેટે ૪૭ રન બનાવી લીધા હતા. ડકવર્થ-લુઈસ નિયમના આધારે ટીમ ઈન્ડિયા ૨ રનથી આગળ હતી અને તેટલા જ રનથી ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.


