નવીદિલ્હી
બાંગ્લાદેશને એશિયા કપ ૨૦૨૩માં તેની પ્રથમ મેચ પૂર્વે જાેરદાર ઝટકો લાગ્યો છે. વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેન લિટન કુમાર.
દાસ વાયરલ તાવને પગલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લિટન દાસ બાંગ્લાદેશની ટીમના સાથે શ્રીલંકા પહોંચી શક્યો નથી. તેના સ્થાને વિકેટકીપર તરીકે અનામુલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અનામુલ હક ઓપનિંગ બેટર છે અને વિકેટકીપિંગ પણ કરે છે. ૩૦ વર્ષીય અનામુલ ગત વર્ષે ડિસેમ્બરમાં ભારત સામે વન-ડે મેચમાં બાંગ્લાદેશ ટીમનો હિસ્સો હતો. તેના નામે ૪૪ મેચમાં ૩૦.૫૮ની સરેરાશથી ૧,૨૫૪ રન છે જેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. અનામુલ ઓપનિંગ અથવા ત્રીજા ક્રમે બેટિંગ કરી શકે છે. એશિયા કપમાં તે મુશ્ફિકુર રહીમ માટે રિઝર્વ કીપરની ભૂમિકામાં રહેશે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ મિંહાજુલ અબેદીને જણાવ્યું કે, અનામુલ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું ફોર્મ ધરાવે છે. બાંગ્લાદેશ ટાઈગર્સ કાર્યક્રમ હેઠળ અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. લિટનની ગેરહાજરીમાં અમને પ્રથમ ક્રમે બેટિંગ કરી શકે અને સાથે વિકેટકીપિંગ પણ કરે તેવા ખેલાડીની જરૂર હતી પરિણામે અમે અનામુલની પસંદગી કરી છે. લિટન દાસ બીમાર થતાં તે સમગ્ર ટુર્નામેન્ટમાં નહીં રમી શકે જે બાંગ્લાદેશ માટે મોટો ફટકો છે. ૨૮ વર્ષીય લિટન ૨૦૨૨ની શરૂઆતમાં વન-ડેમાં બાંગ્લાદેશ માટે સર્વાધિક રન કરનાર બેટ્સમેન રહ્યો છે.

