નવીદિલ્હી
મલેશિયાના ઓછા જાણીતા એવા ઝડપી બોલર સિઝરૂલ ઇદ્રુસે બુધવારે ધાતક બોલિંગ કરીને એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં તે એવો પ્રથમ બોલર બન્યો હતો જેણે મેચમાં સાત વિકેટ ઝડપી હોય. ચીન સામેની ટ૨૦ વર્લ્ડ કપ એશિયા-બી ક્વોલિફાયર મેચમાં સિઝરૂલે માત્ર આઠ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. મેન્સ ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. અગાઉ નાઇજીરિયાના પીટર અહોએ પાંચ રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેણે સિએરા લિઓન સામે ૨૦૨૧માં આ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ સાથે મલેશિયાએ ચીન સામેની મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી.
આઇસીસીના સદસ્ય હોય અને ટેસ્ટ રમતા હોય તેવા દેશોમાં ભારતનો દીપક ચાહર શ્રેષ્ઠ બોલિંગમાં મોખરે છે. તેણે ૨૦૧૯માં નાગપુર ખાતે બાંગ્લાદેશ સામેની ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં સાત રનમાં છ વિકેટ ઝડપી હતી જ્યારે શ્રીલંકાના અજન્તા મેન્ડીસે ૨૦૧૨માં ઝિમ્બાબ્વે સામે આઠ રન આપીને છ વિકેટ ઝડપી હતી. મૂળ ભારતીય એવા દિનેશ નાકરાણીએ યુગાન્ડા માટે રમતી વખતે લેસોથો સામે ૨૦૨૧માં સાત રનમાં છ વિકેટ ઝડપી હતી.
