નવીદિલ્હી
લગભગ ૩ વર્ષ પહેલા આવેલા કોરોનાને દુનિયા ભૂલી ગઈ છે અને આગળ વધી રહી છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જે હવે પોતાના પ્રતિબંધો હટાવી રહ્યો છે. કિમ જાેંગ ઉનનું ઉત્તર કોરિયા હવે તેના લોકો માટે ખુલ્લું છે એટલે કે જે લોકો વિદેશમાં હતા તેઓ હવે ૩ વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરી શકશે. ઉત્તર કોરિયાએ આ માટે ઘણા નિયંત્રણો પણ લગાવ્યા છે. ઉત્તર કોરિયાએ જાહેરાત કરી છે કે તેના નાગરિકો જે વિદેશમાં છે તેઓ હવે સ્વદેશ પરત ફરી શકશે. દેશમાં પ્રવેશ્યા પછી, તેઓએ એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે, ત્યારબાદ જ તેમને તેમના સંબંધિત ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે. ડિસેમ્બર ૨૦૧૯માં કોરોનાની શરૂઆત થઈ, ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૦થી વૈશ્વિક પ્રતિબંધો શરૂ થયા. ઉત્તર કોરિયા એશિયાનો એકમાત્ર એવો દેશ છે જે આખરે કોરોનાના પ્રતિબંધોને ખતમ કરી રહ્યો છે. ઉત્તર કોરિયાએ ૨૦૨૦ની શરૂઆતમાં જ નિયંત્રણો લાદ્યા હતા અને અહીં બહારની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉત્તર કોરિયા પહેલા, ચીન એકમાત્ર એવો દેશ હતો જેણે આ ભાગમાં સૌથી લાંબા સમય સુધી પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ચીને પણ ડિસેમ્બર ૨૦૨૨માં વિશ્વ માટે પોતાની જાતને ખોલી હતી. આ અઠવાડિયે ઉત્તર કોરિયાથી એક ફ્લાઈટ ચીન પહોંચી છે, ત્યારબાદ આ ઓપરેશન શરૂ થઈ ગયું છે. હાલમાં બેઇજિંગથી ઉત્તર કોરિયા માટે ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે, ટૂંક સમયમાં રશિયાથી પણ ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ઉત્તર કોરિયાની તાઈકવૉન્ડો ટીમે પણ તાજેતરમાં કઝાકિસ્તાનની મુલાકાત લીધી હતી, જે જાન્યુઆરી ૨૦૨૦ પછી વિદેશી ધરતી પર યોજાયેલી ઇવેન્ટમાં ભાગ લેનારી પ્રથમ ઉત્તર કોરિયાની ટીમ બની હતી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી ૨૦૧૯થી, કોરોનાએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે, જે હજુ પણ ઘણા ભાગોમાં ચાલુ છે. આ વૈશ્વિક રોગચાળાને કારણે, વિશ્વમાં કરોડો મૃત્યુ થયા હતા અને લોકો લાંબા સમયથી પ્રતિબંધો હેઠળ હતા. ઉત્તર કોરિયામાં કિમ જાેંગ ઉનની તાનાશાહીને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, આવી સ્થિતિમાં મહામારીએ આ દેશને વધુ મુશ્કેલીમાં મૂકી દીધો હતો.

