નવીદિલ્હી
પાકિસ્તાનના મહાન ટેસ્ટ ક્રિકેટરમાં જેની ગણતરી થાય છે તે જાવેદ મિયાંદાદ વિવાદમાં રહેવામાં પણ અવ્વલ છે અને ખાસ કરીને ભારતની વિરુદ્ધમાં કાંઈ બોલવા માટે તે હંમેશાં બહાના શોધતો રહેતો હોય છે. હવે તેણે ફરીથી ઝેર ઓક્યું છે. એક તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આગામી વર્લ્ડ કપમાં ભારતમાં રમવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે જાવેદ મિયાંદાદે ફરીથી વિવાદાસ્પદ નિવેદન કરતાં જાહેર કર્યું છે કે જ્યાં સુધી ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલે નહીં ત્યાં સુધી પાકિસ્તાને વર્લ્ડ કપમાં રમવા માટે ભારત જવું જાેઇએ નહીં.મિયાંદાદે તો એટલે સુધી કહ્યું હતું કે જ્યાં સુધી ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા આવે નહીં ત્યાં સુધી માત્ર વર્લ્ડ કપ જ નહીં પરંતુ કોઈ પણ ક્રિકેટ મેચ રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ટીમને પડોશી દેશમાં મોકલવી જાેઇએ નહીં.આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનારો છે. આઇસીસીએ તૈયાર કરેલા ડ્રાફ્ટ કાર્યક્રમ અનુસાર પાકિસ્તાની ટીમ ભારતમાં રમનારી છે અને તેની ભારત સામેની વર્લ્ડ કપની મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૧૫મી ઓક્ટોબરે રમાનારી છે. જાેકે જાવેદ મિયાંદાદ આ કાર્યક્રમની વિરુદ્ધમાં છે અને તેણે વિરોધી સૂર પુરાવતા જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમે ભારતનો પ્રવાસ ખેડવો જાેઇએ નહીં પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાન આવવી જાેઇએ. પાકિસ્તાનમાં રમવાનો વારો ભારતનો છે.૬૬ વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરે જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમ ૨૦૧૨ અને ૨૦૧૬માં ભારતના પ્રવાસે ગઈ હતી અને ત્યાં સિરીઝ રમી હતી. તો હવે ભારતનો વારો છે અને તેણે પાકિસ્તાન આવવું જાેઇએ. તે ન આવે ત્યાં સુધી પાકિસ્તાની ટીમે વર્લ્ડ કપ માટે પણ ભારત જવું જાેઇએ નહીં. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨ના ડિસેમ્બરમાં પાકિસ્તાની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે તે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ટી૨૦ મેચ રમી હતી જેમાં ભારતનો વિજય થયો હતો. આ મેચમાં સુરક્ષાની કોઈ સમસ્યા સામે આવી ન હતી અને સફળતાપૂર્વક મેચ રમાઈ હતી.જાે મારે ર્નિણય લેવાનો હોત તો હું ક્યારેય ભારતમાં એક પણ મેચ રમવા માટે ગયો ન હોત. વર્લ્ડ કપ માટે પણ મેં ભારતનો પ્રવાસ ખેડ્યો ન હોત. અમે તેમની (ભારતની) સામે રમવા માટે હંમેશાં તત્પર હોઈએ છીએ પરંતુ આ જ રીતે ભારતે ક્યારેય પાકિસ્તાન સામે કે પાકિસ્તાની મેદાનો પર રમવામાં રસ દાખવ્યો નથી તેમ મિયાંદાદે ઉમેર્યું હતું. પાકિસ્તાનનું ક્રિકેટ સામાન્ય નથી. અમે આજે પણ ઉચ્ચ ગુણવત્તાના ખેલાડીઓ રજૂ કરી રહ્યા છીએ. આમ મને નથી લાગતું કે જાે અમે ભારતમાં રમવા માટે જઇશું નહીં તો તેનાથી પાકિસ્તાનના ક્રિકેટને કોઈ મોટો ફરક પડી જશે તેમ તેણે ઉમેર્યું હતું. ભારતે છેલ્લે ૨૦૦૮માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને એ સમયે ભારતીય ટીમ એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમી હતી. જાેકે બે દેશ વચ્ચેની સિરીઝમાં ભારતીય ટીમ લગભગ ૧૭ વર્ષથી પાકિસ્તાનમાં રમી નથી. ૨૦૦૬ના ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે સિરીઝ રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો હંમેશાં તંગ રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં સુરક્ષાની પરિસ્થિતિ મોટા ભાગના સમયે નાજુક જ રહે છે. બંને દેશની સરકારની મંજૂરી વિના બે ટીમ ક્રિકેટ સિરીઝ રમવા માટે એકબીજાના દેશમાં જતી નથી. જાવેદ મિયાંદાદનું માનવું છે કે રમતગમત વચ્ચે રાજકારણને લાવવું જાેઇએ નહીં.હું હંમેશાં કહેતો આવ્યો છું કે પડોશીની પસંદગી તમારા હાથમાં હોતી નથી તેથી જ એકબીજાને સહકાર આપીને રહેવું જાેઇએ. અને, હું હંમેશાં એમ પણ કહેતો આવ્યો છું કે ક્રિકેટ એવી રમત છે જે પ્રજાને નજીક લાવે છે. ક્રિકેટને કારણે જ બે દેશ વચ્ચેની ગેરસમજૂતિ કે મનદુઃખ દૂર થઈ શકે છે. તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ બાબતે સહમત થયું છે કે આગામી એશિયા કપની મેચો હાઇબ્રિડ મોડેલ મુજબ રમાશે. હકીકતમાં પાકિસ્તાનને આમ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આમ આગામી એશિયા કપમાં ભારત તેની તમામ મેચ પાકિસ્તાન જઈને નહીં પરંતુ શ્રીલંકામાં રમવાનું છે. આ ર્નિણય ભારતના ટીકાકાર રહેલા મિયાંદાદને હજમ થયો નથી અને એ ર્નિણય બાદ જાવેદ મિયાંદાદે આ વિરોધી વલણ અપનાવ્યું હતું. તેણે કહ્યું હતું કે એશિયા કપ અંગેના ર્નિણય બાદ એ પુરવાર થઈ ગયું છે કે ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલવા માગતું નથી તો પાકિસ્તાને પણ કડક વલણ અપનાવીને તેની ટીમને ભારત મોકલવી જાેઇએ નહીં.
