નવીદિલ્હી
ભારતમાં આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાવાનો છે અને તેમાં રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ટીમ મોકલવા માટે થોડા ખચકાટ સાથે પણ સહમત થઈ ગયું છે ત્યારે આ મામલે હવે કોઈ સમસ્યા રહેતી નથી. આ સંજાેગોમાં પાકિસ્તાનની ટીમ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામે ૧૫મી ઓક્ટોબરે રમે તેમાં પણ હવે કોઈ શંકા રહી નથી. આઇસીસીએ તેના પ્રસ્તાવિત કાર્યક્રમ નક્કી કરી નાખ્યો છે અને તે મુજબ બીસીસીઆઈ તા આઇસીસીએ મળીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પસંદગી ઢોળેલી જ છે. હવે જ્યારે પાકિસ્તાની ટીમ ભારત આવવાની જ છે તો તેને મેચના સ્થળ અંગે પણ કોઈ વિરોધ હોવો જાેઇએ નહીં. આમ મોટેરાનું ઐતિહાસિક અને વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાનું યજમાન બને તેવી પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે.મોટા ભાગે તો પાકિસ્તાની ટીમ હવે કોઈ સુરક્ષા કે કોઈ રાજકીય કારણસર એકાદ સ્થળ પર રમવાનો ઇનકાર કરે તેવી શક્યતા પણ ઘટી ગઈ છે. તેથી વિપરીત પાકિસ્તાન તો અત્યારે કઈ ટીમ સામે કયા મેદાન પર ટેકનિકલી સક્ષમ છે તે અંગે વિચારણા કરી રહ્યું છે. જેમ કે અફઘાનિસ્તાનની ટીમ સામે પાકિસ્તાનને ચેન્નાઈમાં તકલીફ પડી શકે છે તો ઓસ્ટ્રેલિયા સામે તેને બેંગલોરમાં સમસ્યા નડી શકે તેમ છે.હકીકતમાં હરીફ ટીમની તાકાત અને ટેકનિકની રીતે પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામે ચેન્નાઈમાં અને ઓસ્ટ્રેલિયા સામે બેંગલોરમાં તકલીફ પડી શકે તેમ છે. એશિયા કપના આયોજન અંગે હવે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે અને પાકિસ્તાને વર્લ્ડ કપ માટે ટીમ મોકલવાનો પણ ર્નિણય લઈ લીધો છે. જેમાં ભારત અને પાકિસ્તાન ૧૫મી ઓક્ટોબરે અમદાવાદમાં રમશે.વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરતાં અગાઉ આઇસીસીએ પીસીબી સહિત સદસ્ય ક્રિકેટ બોર્ડને પ્રસ્તાવિત કાર્યક્રમ અંગે સૂચનો આપવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ડેટા એનાલિસ્ટ અને નીતિવિષયક ટીમને ભારતના વિવિધ સ્થળો પર કયા હરીફ સામે રમી શકાય તે અંગે સમીક્ષા કરવા કહ્યું હતું.આ ટીમે જે તાારણ આપ્યું તે મુજબ પાકિસ્તાને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખતાં અફઘાનિસ્તાન સામે ચેન્નાઈમાં અને ઓસ્ટ્રેલિયા સામે બેંગલોરમાં રમવું જાેઇએ નહીં. ચેન્નાઈની પિચ સ્પિનર્સને મદદકર્તા રહે છે અને તેમની પાસે રાશીદ ખાન અને નૂર અહેમદ જેવા બોલર છે જે તાજેતરમાં આઇપીએલમાં શાનદાર દેખાવ કરી ચૂક્યા છે. બંને બોલર ગુજરાત ટાઇટન્સ માટે રમ્યા હતા. બીજી તરફ બેંગલોરની પિચ બેટિંગને માફક આવે છે જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂતીથી રમી શકે છે. આ સંજાેગોમાં પાકિસ્તાની પસંદગીકારોએ તેમના બોર્ડને સલાહ આપી છે કે તેઓ સ્થળની પસંદગી કરતી વખતે આ બે દેશ સામે ચેન્નાઈ અને બેંગલોર સામે રમવાનું ટાળે તે ટીમ માટે હિતાવહ છે.
