નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયન ગેમ્સ ઉપરાંત આગામી એશિયા કપ અને ત્યાર બાદ યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે ત્યારે ટીમના બે મહત્વના ખેલાડી લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયર એશિયા કપ અગાઉ ફિટ થઈ જાય તેવી ઘણી ઓછી શક્યતા રહેલી છે. એશિયા કપનો પ્રારંભ ૩૦મી ઓગસ્ટથી થનારો છે અને ૧૭મી સપ્ટેમ્બરે તેની ફાઇનલ મેચ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બંને બેટ્સમેન પૂરતા ફિટ થયા નથી કે તેમને એશિયા કપ માટે ધ્યાનમાં લેવામાં આવે. એશિયા કપની મેચો શ્રીલંકા અને મૂળ યજમાન પાકિસ્તાનમાં રમાનારી છે પરંતુ ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં રમશે. રાહુલ અને ઐયરે સોશિયલ મીડિયા પર તેમની ફિટનેસની પ્રગતિ અંગે તાજા અહેવાલ શેર કરેલા હોવા છતાં સૂત્રો કહે છે કે હાલના તબક્કે તેમને સીધા ઇન્ટરનેશનલ કિકેટમાં રમાડવા થોડું વહેલું ગણાશે. જાેકે તેઓ ભારતમાં ઓક્ટોબરમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ માટેના દાવેદાર તો રહેશે જ. તેઓ સંપૂર્ણ ફિટનેસ હાંસલ કરી લેશે તો તેમને વર્લ્ડ કપની ટીમ પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવાશે. આ સંજાેગોમાં વર્લ્ડ કપ અગાઉ સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયાની ટીમ સામેની ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે પણ તેમને ધ્યાનમાં લેવાશે અથવા તો તે સિરીઝ દ્વારા તેઓ પુનરાગમન કરી શકે તેમ છે. રાહુલ અને ઐયરની ગેરહાજરીમાં હવે ભારતીય પસંદગીકારો એશિયા કપ માટે હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝમાં રમેલી ભારતની વન-ડે ટીમના ખેલાડીઓ પરથી જ ટીમની પસંદગી કરશે. ભારતે આ સિરીઝ ૨-૧થી જીતી હતી. જાેકે આ ટીમમાં મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ રમ્યા ન હતા. આ ત્રણેય ઝડપી બોલર હાલના સંજાેગોમાં તો ભારતની કોઈ પણ ટીમમાં આસાનીથી પ્રવેશ હાંસલ કરી શકે છે. આમ એશિયા કપમાં ભારત એકદમ મજબૂત ટીમ ઉતારી શકે છે. જસપ્રિત બુમરાહની પસંદગી લગભગ નિશ્ચિત છે તેમ છતાં પસંદગીકારો તેના આયર્લેન્ડ સામેની સિરીઝના પ્રદર્શનને નિહાળવાનું પસંદ કરશે. આ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ણાએ પણ પુનરાગમન કરેલું છે. તે પણ બુમરાહની માફક ઘણા સમય સુધી ઇજાને કારણે ક્રિકેટથી દૂર રહેલો છે. આવી જ રીતે બેટ્સમેન વિકેટકીપર ઇશાન કિશને માત્ર એશિયા કપ જ નહીં પરંતુ વર્લ્ડ કપ માટેની ટીમમાં પણ પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે ત્યારે તેને હવે અંતિમ ઇલેવનમાં પ્રવેશ માટે લોકેશ રાહુલ સાથે સ્પર્ધા કરવાની રહેશે. રાહુલ વર્લ્ડ કપ અગાઉ ફિટ થઈ જાય તેવી શક્યતા છે. જાેકે ઇશાનના સમાવેશથી ટીમ મેનેજમેન્ટે ઓપનરની સમસ્યાનો સામનો કરવાનો રહેશે. કેમ કે રોહિત શર્મા તેનું ઓપનર તરીકેનું સ્થાન જાળવી રાખશે તે નક્કી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ઇનિંગ્સનો પ્રારંભ કરનારો શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં રહેશે. આમ રાહુલ ક્યા સ્થાને બેટિંગ કરવા ઉતરશે તે જાેવાનું રહેશે. એશિયા કપ માટેની ભારતીય ટીમનો પૂર્વતૈયારી કેમ્પ ૨૪મી ઓગસ્ટથી બેંગલોરમાં યોજાનારો છે. ભારતે બીજી સપ્ટેમ્બરે એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાનું છે.


