નવીદિલ્હી
ચોમાસું દસ્તક દેતાની સાથે જ દેશભરના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની પ્રક્રિયા ચાલુ છે. દિલ્હી એનસીઆરમાં શનિવારે સવારથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રવિવારે પણ અહીં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલા પણ લેવામાં આવ્યા છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ૧૦ જુલાઈ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં પણ પૂર અને હિમપ્રપાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે લાહૌલ-સ્પીતિમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે પૂર અને હિમપ્રપાતની સંભાવના છે. આ પહેલા શનિવારે ૭ જિલ્લામાં રેડ એલર્ટ અને ૩ જિલ્લા માટે આગામી ૪૮ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય ભૂસ્ખલનની ચેતવણી પણ આપવામાં આવી હતી. કુલ્લુમાં ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ પર કાટમાળ જમા થઈ ગયો છે. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. વરસાદ બંધ થતા જ રસ્તાઓની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે સોમવાર સુધી જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં રવિવાર સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવાર રાતથી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં આ સિવાય ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ છે. તેમાં મહાગુન ટોપ અને અમરનાથ ગુફા મંદિરની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેની અસર અમરનાથ યાત્રા પર પણ જાેવા મળી રહી છે. ખરાબ હવામાનને કારણે શનિવારે સતત બીજા દિવસે યાત્રા સ્થગિત રહી હતી.
