નવીદિલ્હી
વનડે શ્રેણીની ત્રણેય મેચોમાં અલગ-અલગ બેટ્સમેનો નંબર ૪ પર જાેવા મળ્યા હતા. રોહિત શર્માની કપ્તાની હેઠળની પ્રથમ વનડેમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચોથા નંબરે ઉતર્યો હતો અને તે ૫ રન બનાવીને રનઆઉટ થયો હતો. ત્યારપછીની બે વનડેમાં કેપ્ટન રોહિત અને વિરાટ આરામ પર રહ્યા, જ્યારે ટીમની કમાન હાર્દિકના હાથમાં આવી. હાર્દિકે બીજી વનડેમાં અક્ષર પટેલ પર ચોથા નંબર પર સટ્ટો રમ્યો હતો. અક્ષર પટેલે આ મેચમાં પોતાની બેટિંગથી ઘણો નિરાશ કર્યો હતો. તે માત્ર ૧ રન બનાવીને આઉટ થયો હતો. સંજુ સેમસન છેલ્લી વનડેમાં ચોથા નંબરે આવ્યો હતો અને તેણે અડધી સદી ફટકારી હતી. ઘણા બેટ્સમેનોને નંબર ૪ પર અજમાવવામાં આવ્યા છે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ જગ્યા મોટી સમસ્યા બની ગઈ છે. હવે કેપ્ટન રોહિત શર્માએ પણ આ નંબર વિશે વાત કરી છે. આશા છે કે, એશિયા કપ પહેલા હિટમેન આ સમસ્યાનો ઉકેલ લાવી દેશે. રોહિત શર્માએ પીટીઆઈને કહ્યું, ‘નંબર ૪ અમારા માટે એક મુદ્દો રહ્યો છે, યુવી પછી કોઈ આવી શક્યું નથી અને લાંબો સમય ટકી શક્યું નથી. ઐય્યરે ચોથા નંબર પર બેટિંગ કરી અને સારું પ્રદર્શન કર્યું, તેના નંબર ઘણા સારા છે પરંતુ ઈજા તેને પરેશાન કરી રહી છે. એટલા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે હંમેશા નવા ખેલાડીને ચોથા નંબર પર બેટિંગ કરતા જાેયા છે. રોહિત શર્માનો ઈશારો શ્રેયસ અય્યર તરફ છે. અય્યર ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. ઘણા મહિનાઓ સુધી, અય્યર ઈજાના કારણે સતત ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હાથની ઈજામાંથી સાજા થયા બાદ તેને પીઠમાં ઈજાની સમસ્યા જાેવા મળી હતી.જે પછી તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર હતો. તાજેતરમાં કેએલ રાહુલની સાથે શ્રેયસ અય્યરની ફિટનેસ અંગે અપડેટ સામે આવ્યું હતું. કેએલ રાહુલ એશિયા કપમાં વાપસી કરશે, જ્યારે શ્રેયસ અય્યર માટે કોઈ સત્તાવાર વાપસીનો સમય નક્કી કરવામાં આવ્યો નથી. જાેકે, સારા સમાચાર એ છે કે, તે નેટ્સમાં સતત બેટિંગ કરી રહ્યો છે. વનડેમાં ચોથા નંબર પર રહેલા અય્યરના આંકડાઓ પર નજર કરીએ તો તેણે છેલ્લા એક વર્ષમાં ૭ ઇનિંગ્સમાં ૨૬૫ રન બનાવ્યા છે. અય્યરે આ રન લગભગ ૫૨ની પ્રભાવશાળી સરેરાશથી બનાવ્યા હતા. આ નંબર પર રમતા શ્રેયસ અય્યરે કુલ ૨૦ ઇનિંગ્સમાં ૨ સદી અને ૫ અડધી સદી ફટકારી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે, અય્યર વર્લ્ડ કપમાં પણ નંબર ૪ પર બેટિંગ કરશે.