નવીદિલ્હી
વર્લ્ડ કપ ૨૦૨૩ શરૂ થવામાં માત્ર એક મહિનાનો સમય બાકી છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ ૨૦૨૩ અને વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કેપ્ટન રોહિત શર્મા પણ પોતાનો જૂનો ચાર્મ ફેલાવવા માટે ઘણો પરસેવો પાડી રહ્યો છે. આટલું જ નહીં એશિયા કપ પહેલા પણ તેણે વિરોધી ટીમોને તેની જૂની સ્ટાઈલ માટે પણ સતર્ક કરી દીધા છે. જાેકે, કેપ્ટનશિપ બાદ રોહિત શર્માના પ્રદર્શનમાં અગાઉ કરતાં ઘટાડો જાેવા મળ્યો હતો. પરંતુ હવે હિટમેન પાસે પાછું એ જ નામ કમાવવાની સુવર્ણ તક છે. રોહિત શર્માની વધતી ઉંમરને જાેતા કહી શકાય કે તે વર્લ્ડકપ બાદ સંન્યાસ લઈ શકે છે. તેણે ઈશારા તરીકે કહ્યું, ‘હું આગામી બે મહિના માટે આ ટીમ સાથે ઘણી યાદો બનાવવા માંગુ છું.’ વર્ષ ૨૦૨૦ બાદ રોહિત શર્માના બેટથી વનડેમાં માત્ર એક જ સદી જાેવા મળી છે. હિટમેને ૨૪ જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી. આ પહેલા તેણે ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા સામે ૧૧૯ રન બનાવ્યા હતા. તે વર્ષ ૨૦૧૯ હતું જ્યારે રોહિત શર્મા તેની બેટિંગનાં ટોચ પર જાેવા મળ્યો હતો. હિટમેન તે વર્ષે ટુર્નામેન્ટનો ટોપ રન સ્કોરર સાબિત થયો હતો. રોહિતના ૫ સદીની મદદથી ૬૪૮ રન થયા હતા. હવે કેપ્ટન ૪ વર્ષ પછી આ જ અંદાજમાં દેખાવા માંગે છે. રોહિત શર્માએ પીટીઆઈને કહ્યું, ‘મારા માટે એ મહત્વનું છે કે હું કેવી રીતે મારી જાતને દબાણથી મુક્ત રાખું છું. હું મારી ભૂમિકા સમજુ છુ અને તેના પર ભાગ ભજવતા બાહ્ય પરિબળો વિશે વિચારતો નથી, પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક. હું એ સમયગાળામાં પાછો જવા માંગુ છું જેમાં હું ૨૦૧૯ વર્લ્ડ કપ પહેલા હતો. હિટમેને વધુમાં કહ્યું હતુ કે, ‘હું અંગત રીતે મારી તે વિચારધારા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. તે સમયે હું સારી માનસિક સ્થિતિમાં હતો અને ટૂર્નામેન્ટ માટે ખૂબ જ સારી તૈયારી કરી હતી. હું તે માનસિકતા પાછી લાવવા માંગુ છું અને મારી પાસે આમ કરવા માટે હજુ સમય પણ છે. ૨૦૧૯ વર્લ્ડ કપ પહેલા હું એક ખેલાડી તરીકે અને એક વ્યક્તિ તરીકે શું કરી રહ્યો હતો તે યાદ રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું.’

