નવીદિલ્હી
સુપ્રીમકોર્ટે ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ દ્વારા જાેડાયેલી એક જનહિતની અરજીને નકારી કાઢી હતી. આ અરજીમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે જારી વિવાદને ઉકેલવા માટે આ સમિતિને ફરીથી તૈયાર કરવાની અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે પાકિસ્તાન દ્વારા પકડવામાં આવતા ગુજરાતી માછીમારો અંગેની અરજીને નકારી કાઢીને કેટલીક સ્પષ્ટ વાત કરી હતી. શુક્રવારના દિવસે જનહિત અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી વેળા સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આ તેમનું અધિકારક્ષેત્ર નથી. કોર્ટે કહ્યું હતું, અમે પાકિસ્તાનને આદેશ આપી શકીએ નહીં, માફ કરશો.ભારત-પાકિસ્તાનના માછીમારો સાથે જાેડાયેલા મુદ્દાને કઇ રીતે ઉકેલી શકાય છે કારણ કે આપણે પાકિસ્તાનને આદેશ આપી શકીએ નહીં. જનહિતની અરજીમાં જળ સરહદના ભંગ કરવાના મામલે પકડી પાડવામાં આવેલા માછીમારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ સાથે જાેડાયેલી આ અરજી પર સુનાવણી જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયા કરી રહ્યા હતા. સુપ્રીમની બેન્ચે કહ્યું હતું કે, આ રાજકીય મામલો છે. આ સુપ્રીમકોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, પાકિસ્તાન સરકાર માટે સુપ્રીમ કોર્ટ કોઇ આદેશ આપી શકે નહીં. અરજી વેલજીભાઇ મસાણી તરફથી દાખલ કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું હતું કે રાજકીય મામલાઓને રાજકીય રીતે ઉકેલવાની જરૂર છે. આની સાથે જ સુપ્રીમકોર્ટે અરજીને ફગાવી દીધી હતી.
