નવીદિલ્હી
વિદેશી ધરતી પર વિરાટ કોહલીના કંગાળ ફોર્મ અંગે વારંવાર થતાં સવાલો સામે ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની રોહિત શર્મા અકળાઈ ઉઠ્યો હતો. તેણે આ અગે જણાવ્યું હતું કે આ પ્રકારના બહારના અવાજાે સાથે ટીમને કોઈ લેવા દેવા હોતી નથી. તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પોર્ટ ઓફ સ્પેન ખાતેની ટેસ્ટમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ સાથે તેણે પાંચ વર્ષના લાંબા ગાળા બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. બુધવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રોહિત શર્માને કોહલીના વિદેશી ધરતી પર મોટી ઇનિંગ્સથી વંચિત રહેવા અંગેના પ્રશ્ન સામે રોહિત શર્મા અકળાઈ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે આ સવાલનો મેં અગાઉ ઘણી વાર જવાબ આપ્યો છે. આ બધી બહારની વાતો છે. લોકો કહે છે કેટલા રન કર્યા, કેટલી વિકેટ લીધી. જે લોકો આ પ્રકારની વાતો કરે છે તેઓ ડ્રેસિંગ રૂમની અંદર શું થઈ રહ્યું છે તે જાણતા હોતા નથી. અમારા માટે ડ્રેસિંગરૂમની અંદર જે બને છે તે અંદર જ રહે છે. અમે આ પસંદ કરીએ છીએ. અમારા માટે સૌથી મહત્વની બાબત મેચ અને સિરીઝ જીતવાની છે. કોણ શું કહે છે તે અમારા માટે મહત્વનું હોતું નથી તેમ કહીને રોહિત શર્માએ ઉમેર્યું હતું કે હાલના તબક્કે અમારી પ્રાથમિકતા વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સિરીઝ જીતવાની છે.


