Delhi

ભારતમાં યુઝવેન્દ્રસિંહ ચહલથી બહેતર કોઈ સ્પિનર નથીઃ હરભજન

નવીદિલ્હી
યુઝવેન્દ્રસિંહ ચહલ અત્યારે ભારતમાં ઉપલબ્ધ સ્પિનર્સમાં સર્વશ્રેષ્ઠ છે અને તે લિમિટેડ ઓવરના ક્રિકેટમાં સારો સ્પિનર છે. તેને નજરઅંદાજ કરીને પસંદગીકારોએ મોટી ભૂલ કરી છે તેમ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ઓફ સ્પિનર હરભજનસિંઘે જણાવ્યું હતું. શ્રીલંકા અને પાકિસ્તાનમાં ૩૦મી ઓગસ્ટથી એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે અને તે માટેની ભારતીય ક્રિકેટ ટીમમાંથી ચહલને બાકાત રખાયો છે. ભારતીય પસંદગીકારોએ ચહલને બદલે કુલદીપ યાદવને પસંદ કર્યો છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિનર રહેશે. આ ત્રણેય સ્પિનર લેફ્ટ આર્મ બોલર છે. પોતાની યૂટ્યૂબ ચેનલ પર હરભજનસિંઘે જણાવ્યું હતું કે એશિયા કપમાં રમનારી ભારતીય ટીમમાં મને એક ચીજનો અભાવ અને ખોટી ચીજ ગણાઈ હોય તો તે છે યુઝવેન્દ્ર ચહલની ગેરહાજરી. જાે તમે નિયમિત સ્પિનરની વાત કરતા હો તો મને લાગે છે કે ભારતમાં લિમિટેડ ઓવરના ક્રિકેટમાં અત્યારે ચહલથી બહેતર સ્પિનર બીજાે કોઈ નથી. ચહલ એક લેગ સ્પિનર છે જે બોલને સ્ટમ્પથી દૂર લઈ જઈ શકે છે. મારા મતે એશિયા કપમાં ભારતીય ટીમમાં તેની હાજરી જરૂરી હતી તેમ હરભજને ઉમેર્યું હતું. ૨૦૧૬માં ક્રિકેટમાંથી નિવૃત્ત થતા અગાઉ રમતના ત્રણેય ફોર્મેટમાં મળીને ૭૧૧ વિકેટ ખેરવનારા હરભજને વધુમાં જણાવ્યું હતું કે હા, તેની છેલ્લી કેટલીક મેચ સારી રહી નથી પરંતુ તેનાથી તે ખરાબ બોલર બની જતો નથી. ૩૩ વર્ષનો ચહલ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાંથી અંદર બહાર થતો રહે છે પરંતુ હરભજનનું માનવું છે કે ચહલ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમમાં ચોક્કસ પરત ફરશે. તેણે જણાવ્યું હતું કે મને આશા છે કે ચહલ માટે હજી ટીમના દરવાજા બંધ થયા નથી. વર્લ્ડ કપ માટે તેને ધ્યાનમાં લેવો મહત્વનો છે કેમ કે આ વખતે વર્લ્ડ કપ ભારતમાં યોજાઈ રહ્યો છે. ચહલ એ પુરવાર થઈ ચૂકેલો લેગ સ્પિનર છે. હું સમજી શકું છું કે તેનું વર્તમાન ફોર્મ સારું નથી. આમ તમે તેને આરામ આપી શકો છો પણ મને લાગે છે કે તે ટીમમાં હોય તો તેનામાં આત્મવિશ્વાસનું સિંચન થયું હોત. કોઈ પણ ખેલાડી પડતો મુકાયા બાદ પરત ફરે ત્યારે તેની ઉપર સારા દેખાવ કરવાનું દબાણ રહેતું હોય છે. તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી૨૦ સિરીઝમાં યુઝવેન્દ્ર ચહલ ખાસ સફળ રહ્યો ન હતો અને પાંચ મેચની સિરીઝમાં માત્ર પાંચ વિકેટ લઈ શક્યો હતો. છેલ્લી ત્રણ મેચમાં તેણે વધારે રન આપી દીધા હતા.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *