નવીદિલ્હી
ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર આઈસીસી વન-ડે વર્લ્ડ કપ માટે ટિકિટ બુકિંગની આતુરતાનો અંત આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા બુધવારે વર્લ્ડ કપની વિવિધ મેચ માટે ટિકિટ બુકિંગની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ટિકિટ બુકિંગ પાર્ટનર અંગે પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. બુધવારે બીસીસીઆઈએ જણાવ્યા મુજબ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મહામુકાબલા માટેની ટિકિટનું વેચાણ ૩ સપ્ટેમ્બરથી શરૂ થશે. વર્લ્ડ કપમાં ૧૦ વોર્મ અપ મેચ સહિત કુલ ૫૮ મેચ રમાશે. ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો ખેલાશે. પ્રેક્ષકોને સરળતાથી ટિકિટ પ્રાપ્ત થઈ શકે તે માટે તબક્કાવાર ટિકિટ વેચાણ કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં આઈસીસીના વ્યવસાયિક ભાગીદાર એવા માસ્ટરકાર્ડ ધારકો માટે એક્સક્લુઝિવ ૨૪ કલાક માટે વિન્ડો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બીસીસીઆઈના વચગાળાના સીઈઓ હેમાંગ અમિને જણાવ્યું કે, કેલેન્ડર વર્ષની સૌથી રોમાંચક ઈવેન્ટ આઈસીસી વર્લ્ડ કપ તરફ આપણે આગળ ધપી રહ્યા છીએ ત્યારે ટિકિટ બુકિંગ પાર્ટનર તરીકે બુકમાયશો પ્લેટફોર્મની જાહેરાત કરતા અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ. ઓનલાઈન ટિકિટ વેચાણનો પ્રારંભ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે એક યાદગાળ પળ બની રહેશે. ક્રિકેટની રમતના પ્રત્યેક ચાહકને સ્ટેડિયમમાં જીવંત નજારો જાેવાની તક સાંપડે તે માટે કાર્યક્ષમ પદ્ધતિને અમલમાં મુકીને સરળતાથી ટિકિટ ઉપલબ્ધ કરાવવા અમે પ્રતિબદ્ધ છીએ.માસ્ટરકાર્ડ પ્રી સેલ હેઠળ ૨૪ ઓગસ્ટના સાંજે છ કલાકથી વોર્મ અપ મેચને બાદ કરતા ભારત સિવાયની અન્ય વર્લ્ડ કપ મેચની ટિકિટોનું બુકિંગ થઈ શકશે. ૨૯ ઓગસ્ટના સાંજે છ કલાકથી ભારતની વર્લ્ડ કપ મેચો (વોર્મ અપ સિવાય)ની ટિકિટનું બુકિંગ કરી શકાશે. જ્યારે ૧૪ સપ્ટેમ્બરના સાંજે છ કલાકથી સેમીફાઈનલ તથા ફાઈનલ મેચનું બુકિંગ કરી શકાશે. આઈસીસીના હેડ ઓફ ઈવેન્ટ્સ ક્રિસ ટેટલીએ જણાવ્યું કે, મેન્સ વર્લ્ડ કપ ૨૦૨૩ વિશ્વભરના ક્રિકેટ ચાહકોને મંત્રમુગ્ધ કરી દેશે. વિશ્વભરના ચાહકો આ વર્લ્ડ કપ જાેવા ઉમટશે તેવી આશા છે. આ માટે ટિકિટનું વેચાણ શરૂ થશે અને સત્તાવાર ટિકિટ સાઈટ પરથી તે ઉપલબ્ધ થઈ શકશે. ટિકિટના દર તમામને પરવડે તે મુજબ રહેશે અને વધુમાં વધુ લોકો સૌથી મોટા ક્રિકેટ વર્લ્ડ કપનો ભાગ બને તેમ ઈચ્છીએ છીએ.
——-
ટિકિટ વેચાણની તારીખો
——-
માસ્ટરકાર્ડ પ્રિ-સેલ
૨૪ ઓગસ્ટ – ભારત સિવાયની અન્ય મેચ (વોર્મ-અપ સિવાય)
૨૯ ઓગસ્ટ – ભારતની તમામ મેચો (વોર્મ-અપ સિવાય)
૧૪ સપ્ટેમ્બર – સેમીફાઈનલ-ફાઈનલ
——-
અન્ય માટે
૨૫ ઓગસ્ટ – ભારત સિવાયની અન્ય મેચ
૩૦ ઓગસ્ટ – ભારતની ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં વોર્મ-અપ મેચ
૩૧ ઓગસ્ટ – ભારતની ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં મેચ
૧ સપ્ટેમ્બર – ભારતની ધરમશાલા, લખનૌ અને મુંબઈમાં મેચ
૨ સપ્ટેમ્બર – ભારતની બેંગ્લોર અને કોલકાતામાં મેચ
૩ સપ્ટેમ્બર – ભારતની અમદાવાદમાં મેચ
૧૫ સપ્ટેમ્બર – સેમીફાઈનલ અને ફાઈનલ
——-
(નોંધઃ માસ્ટરકાર્ટ પ્રિ સેલ હેઠળ સાંજે છ કલાકથી, અન્ય માટે રાત્રે આઠ કલાકથી બુકિંગ શરૂ થશે)
—

