નવીદિલ્હી
શુક્રવારથી બર્મિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ એશિઝ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે તેની ટીમ જાહેર કરી હતી. બુધવારે ઈંગ્લેન્ડે જાહેર કરેલી ટીમમાં માર્ક વૂડના સ્થાને અનુભવી સ્ટુઅર્ટ બ્રોડનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત ઈજાગ્રસ્ત જેક લીચના સ્થાને ૨૦૨૧માં ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર સ્પિનર મોઈન અલીને પુનઃ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બેન સ્ટોક્સના નેતૃત્વમાં પ્રથમ એશિઝમાં ઈંગ્લેન્ડના પેસ આક્રમણની જવાબદારી જેમ્સ એન્ડરસન, ઓલી રોબિનસન અને સ્ટુઅર્ટ બ્રોડના ખભે રહેશે. જેક લીચને પીઠની ઈજા થતાં તે એશિઝ શ્રેણી ગુમાવશે. અગાઉ આ મહિને આયર્લેન્ડ સામેની ટેસ્ટમાં એન્ડરસરન અને રોબિસનને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ તેઓ હવે સ્વસ્થ થતાં સંપૂર્ણ જુસ્સા સાથે ઉતરશે તેવી ટીમ મેનેજમેન્ટને અપેક્ષા છે. વિકેટકીપર તરીકે જાેની બેરસ્ટોનું ટીમમાં પુરનાગમન થયું છે. બેરસ્ટોને ગોલ્ફ રમતી વખતે ઈજા પહોંચી હતી પરંતુ તે સંપૂર્ણ ફિટ થતાં તેને પ્રથમ એશિઝ ટેસ્ટ માટે ટીમમાં લેવાયો છે. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટ અને હેરી બ્રુક બર્મિંગહામમાં એશિઝમાં ડેબ્યુ કરશે. પ્રથમ એશિઝ માટે ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકારે છે જેમાં બેન ડકેટ, ઝેક ક્રોલી, ઓલી પોપ, જાે રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, જાેનાથન બેરસ્ટો, મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિનસન, જેમ્સ એન્ડરસનનો સમાવેશ થાય છે.
