નવીદિલ્હી
આજે રાજધાની દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદને લઈને આકરા પ્રહારો કર્યા હતા. અજીત ડોભાલે કહ્યું કે કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. મોટી વાત એ છે કે આ બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. એસસીઓની બેઠકમાં અજીત ડોભાલે સ્પષ્ટપણે કહ્યું કે, આતંકવાદનો સામનો કરવા માટે તમામ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પર ધ્યાન આપવું જાેઈએ. આ સાથે, આતંકવાદ વિરોધી પ્રોટોકોલ માટેની તમારી જવાબદારી પણ પૂર્ણ થવી જાેઈએ. તેમણે કહ્યું કે આતંકવાદના કોઈપણ કામને યોગ્ય ઠેરવી શકાય નહીં. અજીત ડોભાલે કહ્યું કે,એસસીઓની બેઠકમાં તમામ દેશો આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદને તેના તમામ સ્વરૂપોમાં નાથવા માટે પ્રતિબદ્ધ છે. ભારત માટે તમામ દેશો સાથે કનેક્ટિવિટી મુખ્ય પ્રાથમિકતા છે. અમે રોકાણ કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે દરેકને સહકાર આપવા તૈયાર છીએ. આ દરમિયાન તમામ દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં ચાબહારનો સમાવેશ કરવાની પણ હિમાયત કરી હતી.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ૮ દેશોનો સમાવેશ થાય છે તેમાં ૧. ભારત,૨. ચીન,૩. પાકિસ્તાન,૪. કઝાકિસ્તાન,૫. કિર્ગિસ્તાન,૬. રશિયા,૭. તાજિકિસ્તાન,૮. ઉઝબેકિસ્તાન સામેલ છે.