Delhi

આર્થિક તંગીને કારણે કોઈપણ ખેલવીર પાછળ પડવો ન જાેઇએઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવીદિલ્હી
આર્થિક તંગીને કારણે કોઈપણ ખેલવીરે સ્પોર્ટ્‌સની કારકિર્દીમાં પીછેહઠ કરવી ન પડે તેની તકેદારી સરકાર રાખતી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. જયપુરના ચિત્રકુટ સ્ટેડિયમમાં મહાખેલ મહોત્સવના સમાપન સમારંભને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે રમતોત્સવો અને ખેલ મહાકુંભોનાં આયોજનો રાષ્ટ્રમાં મોટું પરિવર્તન દર્શાવે છે. અમે ખેલકૂદને સરકારી દૃષ્ટિકોણથી નહીં, ખેલાડીઓની નજરે જાેઈ રહ્યા છીએ. ઑલિમ્પિક જેવી મોટી સ્પર્ધાઓમાં પણ હવે સરકાર પૂર્ણ શક્તિ સાથે દેશના ખેલાડીઓની પડખે ઊભી રહે છે. રાજસ્થાનની તેજસ્વિતાને બિરદાવતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે આ વીર ધરાના સંતાનો તેમના શૌર્ય અને વીરતાથી રણભૂમિને પણ ખેલનું મેદાન બનાવી દે છે. દેશના રક્ષણ માટે રાજસ્થાનના જવાનો હંમેશ અગ્રેસર રહે છે. રાજ્યના લોકોની ખેલકૂદ માટેની ચાહત એવી જાેરદાર છે કે જયપુરના લોકોએ સાંસદ તરીકે પણ ઑલિમ્પિક્સના ચંદ્રક વિજેતાને ચૂંટીને મોકલ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરનારા અનેક ખેલવીરો સામેલ થયા હોય એવા અનેક ખેલાડી હાલના મહાખેલ મહોત્સવમાં સામેલ થયા છે. નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અહીંના યુવાનોના શારીરિક અને માનસિક વિકાસમાં રાજસ્થાની ખેલ પરંપરાઓનું મોટું યોગદાન છે. સેંકડો વર્ષથી મકર સંક્રાંતિના અવસરે રમાતી દડા, સિતોલિયા, રૂમાલ ઝપટ્ટા વગેરે પરંપરાગત રમતો રાજસ્થાનની જનતાની નસેનસમાં સમાયેલી છે. તેથી આ રાજ્યે ખેલકૂદ ક્ષેત્રે અનેક પ્રતિભાઓનું સર્જન કર્યું છે. મહાખેલ મહોત્સવનું આયોજન સંસદસભ્ય રાજ્યવર્ધનસિંહ રાઠોડે કર્યું છે. આ આયોજન દ્વારા રાજ્યવર્ધનસિંહે તેમને રાષ્ટ્ર તરફથી જે પ્રોત્સાહન, પીઠબળ અને સન્માન પ્રાપ્ત થયાં એ જનતાને પાછું વાળી રહ્યા છે. આ પ્રયાસોને વેગ અને વિસ્તાર આપવાની આપણી ફરજ છે. જયપુર મહાખેલમાં આ વખતે ૬૦૦થી વધુ ટીમોના ૬૫૦૦ ખેલાડી સહભાગી થયા છે. તેમાં મહિલાઓની ૧૨૫ ટીમોનો સહભાગ ગર્વનો વિષય બને છે. (એજન્સી)

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *