નવીદિલ્હી
કેન્દ્રએ જ તમામ ર્નિણયો લેવાના હોય તો પછી દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર કેમ, સુપ્રીમ કોર્ટની સંવિધાનિક બેન્ચે ગુરૂવારના રોજ કેન્દ્ર વિરુદ્ધ દિલ્હી સરકાર વચ્ચે અધિકારને લઈને સર્જાતા વિવાદ વચ્ચે આ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટીસ ડી વાય ચંન્દ્રચુડની આગેવાની હેઠળની બેચ હાલમાં કેન્દ્ર અને દિલ્હી વચ્ચેના અધિકારોને લઈને સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડની તીખી ટિપ્પણી પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, નોકરિયાતો પર કેન્દ્ર સરકારનો વહીવટી અંકુશ છે. પરંતુ તેઓ દિલ્હી સરકારના સંબંધિત વિભાગો માટે જ કામ કરે છે અને એમને જ રિપોર્ટિંગ કરે છે. ચીફ જસ્ટિસ ચંન્દ્રચુડે કહ્યું કે આ પ્રકારના અર્થઘટનથી વિચિત્ર સ્થિતિ સમજી શકાય છે. તેમણે કહ્યું કે ધારો કે કોઈ અધિકારી પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યો. પરંતુ તેમની નિમણૂક, બદલી, પોસ્ટિંગ વગેરેનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે, તો દિલ્હી સરકાર તે અધિકારી સામે કેવી રીતે પગલાં લેશે? શું તે અધિકારીને બદલી ન શકે? શું તેને અન્ય અધિકારી ન મળી શકે? તેના પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે આવા મામલામાં કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે.
