નવીદિલ્હી
રેતાળ મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારી રાજસ્થાનની દીકરી મુમલ મેહરને હવે ક્રિકેટનો ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે વખાણ કર્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના ટિ્વટર હેન્ડલથી મુમલનો વાયરલ વીડિયો ટ્વીટ કર્યો અને કહ્યું કે, હરાજી ગઈકાલે જ થઈ હતી.. અને આજે મેચ પણ શરૂ થઈ? શું વાત છે, તમારી બેટિંગ જાેઈ ખરેખર આનંદ આવ્યો. ગામમાં ચોગ્ગા અને છગ્ગા મારતા મુમલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના નાના ગામ શેરપુરા કનાસરનો રહેવાસી ૧૪ વર્ષીય મુમલ મેહર ક્રિકેટની જાેરદાર રીતે ઉભરી આવી છે. મુમલના આ વાયરલ વીડિયોને જાેઈને દેશભરમાંથી લોકો તેને શુભકામનાઓ આપી રહ્યા છે. મુમલના પિતા ખેડૂત છે અને તેઓ નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. મુમલને છ બહેનો અને બે ભાઈઓ છે. મુમલ આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેને ક્રિકેટનો શોખ છે. મુમલ મેહર મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જુસ્સાથી ક્રિકેટ રમી રહી છે. તે દરરોજ ત્રણથી ચાર કલાક પ્રેક્ટિસ કરે છે. તેની શાળાના શિક્ષક રોશન ખાન તેને તાલીમ આપી રહ્યા છે. મુમલ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ જેવા લાંબા ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે. મુમલના કહેવા પ્રમાણે, તે સૂર્યકુમાર યાદવની બેટિંગ જુએ છે. મુમલની આર્થિક સ્થિતિ એવી છે કે તેની પાસે ચંપલ પણ નથી. તેને ખુલ્લા પગે ક્રિકેટ રમવાની ફરજ પડી છે. મુમલે તાજેતરમાં રાજસ્થાનમાં આયોજિત ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. મુમલની પ્રતિભા અને સોશિયલ મીડિયામાં તેની ખ્યાતિથી પ્રભાવિત થઈને રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ તેના માટે સંપૂર્ણ ક્રિકેટ કીટ મોકલી છે. મુમલને પ્રોત્સાહિત કરતી વખતે પૂનિયાએ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપી છે. મુમલ આનાથી ખૂબ જ ખુશ છે. મુમલના કોચ રોશન ખાનનું કહેવું છે કે તે ખુશ છે કે તે જે ટેલેન્ટને ક્રિકેટ શીખવી રહ્યો છે તે આખરે સામે આવી છે. મુમલની આ સફળતા બાદ જિલ્લા કલેકટરે મુમલને બોલાવીને તેની સાથે વાત કરી હતી.


