નવીદિલ્હી
સિંગર રક્ષિતા સુરેશનો રવિવારે સવારે કાર એક્સિડેન્ટ થયો હતો. મલેશિયામાં સિંગરની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેણી કારમાં એરપોર્ટ તરફ જઈ રહી હતી. રક્ષિતા સુરેશે એઆર રહેમાન સાથે મળીને ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન ૨’નું ગીત ગાયું છે. તેણીએ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને આ ઘટના વિશે જણાવ્યું છે. રક્ષિતા સુરેશે કહ્યું કે, ઘટના સમયે તેની આખી જીંદગી તેની આંખો સામે છવાઈ ગઈ હતી. તેણી એરબેગના કારણે બચી શકી. દુર્ઘટના મોટી હતી, તેનું બચવું કોઈ ચમત્કારથી ઓછું નથી. તેણી નોટમાં લખે છે, ‘આજે મોટી દુર્ઘટનાનો શિકાર બની હતી. હું જે કામમાં મુસાફરી કરી રહી હતી, તે ડિવાઈડર સાથે અથડાઈ અને રસ્તાના કિનારે અથડાઈ ગઈ. મલેશિયામાં આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે હું એરપોર્ટ પર જઈ રહી હતી. તે ૧૦ સેકન્ડમાં આખી જીંદગી મારી નજરની સામે આવી ગઈ.’ તેણી આગળ લખે છે કે, ‘એરબેગના કારણે બચી ગઈ, નહીંતર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હોત. જે બન્યું તેનાથી હું હજી પણ આઘાતમાં છું. મને ખુશી છે કે સીટની સામે બેઠેલા ડ્રાઈવર અને અન્ય સહ-યાત્રીઓ સુરક્ષિત છે. તેમને નાની-મોટી બાહ્ય અને આંતરિક ઈજાઓ થઈ છે. હું નસીબદાર છું કે હું બચી ગઈ.’ જણાવી દઈએ કે, રક્ષિતા સુરેશે તમિલ, હિન્દી, કન્નડ અને તેલુગુ સિનેમા માટે ગીત ગાયા છે.
