નવીદિલ્હી
સુરત જિલ્લાના દેલાડ પાટિયા પાસે રહેતા યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચાર મહિના પહેલા તેની કારથી અકસ્માત થયો હતો. જેમાં ૩ લોકોના મોત થયા હતા. જેથી મારાથી ત્રણ માણસો મરી ગયા છે. તેવું તેને મન દુઃખ હોય તેણે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરીયાગામ સ્થિત દેલાડ પાટિયા પાસે રહેતા આશિષભાઈ વલ્લભાઈ ફળદુ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેઓની લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેઓના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક આશિષભાઈ ચારેક માસ પહેલા તેઓની આઈ-૨૦ કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમ્યાન બોરસદ પાસે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. જેથી તેઓના પર પોલીસ કેસ પણ થયો હતો. ત્યારથી તેઓ ટેન્શનમાં રહેતા હતા કે, મારાથી ત્રણ વ્યક્તિઓ મરી ગયા છે. તેવું તેમણે મન દુઃખ હતું. જેના કારણે તેઓએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર બનાવમાં પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


