Gujarat

આણંદ ખાતે ઘરેલું હિંસા વિરૂધ્ધ કાયદા અન્વયે માર્ગદર્શન સેમિનાર યોજાયો

આણંદ
આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રામનગર ખાતે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જયભારતી ફાઉન્ડેશનના પ્રમુખ હંસાબેન રાજે પ્રાસંગિક ઉદ્‌બોધન કરતા મહિલાઓના સશક્તિકરણ, તેમની સંસ્થા દ્વારા થતી મહિલાલક્ષી કામગીરી, તેમજ સ્ત્રીઓને સશક્તતાની સાથે ભણતર આપવા પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી કચેરીના ફિલ્ડ ઓફિસર ફાલ્ગુની સોલંકીએ કચેરીમાં કાર્યરત વ્હાલી દીકરી, બેટી-બચાઓ બેટી-પઢાઓ, મહિલા શક્તિ કેન્દ્ર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના,સ્વધાર ગૃહ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તેમજ મહિલાઓને આર્થિક પગભર થવા માટેની મહિલા સ્વાવલંબન યોજના વિશેની જાણકારી પૂરી પાડી હતી. આ સેમિનારમાં નારી અદાલતના જિલ્લા કો-અર્ડિનેટર કોમલબેન દ્વારા નારી અદાલતની તમામ કામગીરીની, સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર પાયલબેન પુરબીયાએ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્‌ડ સપોર્ટ સેન્ટરની તેમજ તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજિક કાર્યકર ચંદ્રિકાબેન તથા ધર્મિષ્ઠાબેને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અને ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન વિશે માહીતી આપીને ઉપસ્થિતોને ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી. આ સેમિનારમાં ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫ અંતર્ગત ઘરેલું હિંસા કોને કહેવામાં આવે છે, આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે, કાયદા હેઠળ પીડિત મહિલાને સુરક્ષા, રહેઠાણ, નાણાકીય રાહત અને ભરણ પોષણ, બાળકનો કબજાે, વળતર તથા વચગાળાના હુકમ, દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧, કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સ્ટાફ, તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *