જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.
જો અમારા હ્રદયમાં વેર નફરત ઇર્ષા તથા અભિમાનની ભાવના છે તો અમે સુખી થઇ શકવાના નથી કારણ કે આ ભાવના સળગતા કોલસા જેવી છે જે પોતે બળે છે અને બીજાને ૫ણ બાળે છે. અભિમાનથી માનવી ફુલાઈ શકે છે,ફેલાઈ શકતો નથી.ગુણોનું અભિમાન થવાથી દુર્ગુણો આપોઆ૫ આવી જાય છે.અભિમાનમાંથી ક્રોધ જાગે છે અને ક્રોધમાંથી કર્કશ વાણી ઉત્પન્ન થાય છે.અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી પણ જગત જેને માન આપે છે તેવા જ્ઞાનીને અભિમાન પજવે છે.
પોતાની વૃદ્ધ ર્માં અને લાચાર બાપને રડતા મુકીને એક ઋષિ તપસ્યા કરવા માટે વનમાં જાય છે. તપ કર્યા પછી જ્યારે ઋષિ ઉભા થાય છે તે સમયે તેમને ઉપર જોયું તો એક કાગડો પોતાની ચાંચમાં ચકલીના બચ્ચાને લઇને ઉડી રહ્યો છે.ઋષિ ક્રોધના આવેશમાં કાગડાની તરફ જુવે છે.ઋષિના તપની શક્તિથી તેમની આંખમાંથી અગ્નિની જ્વાળા નીકળે છે અને કાગડો બળીને ભસ્મ થઇ જાય છે.
પોતાની આવી સિદ્ધિથી ઋષિને અહંકાર આવી જાય છે.અહંકારમાં મસ્ત બનીને ઋષિ પોતાના આશ્રમમાં જવા નીકળે છે.રસ્તામાં એક ગૃહસ્થના ઘરના આંગણામાં આવીને ભિક્ષા માટે ટહેલ નાખે છે. ઋષિ દ્વારા વારંવાર બૂમો મારવા છતાં ઘરમાંથી કોઇ બહાર આવતું નથી તે જોઇને ઋષિને ક્રોધ આવી જાય છે.ઋષિએ ફરીથી બૂમ પાડી ત્યારે ઘરમાંથી અવાજ આવ્યો કે સ્વામીજી..થોડીવાર ઉભા રહો.હમણાં હું સાધના કરી રહી છું.જ્યારે મારી સાધના પુરી થશે ત્યારપછી હું આપને ભિક્ષા આપીશ.આવું સાંભળીને ઋષિનો ક્રોધ વધી જાય છે.
ક્રોધના આવેશમાં આવી ઋષિ કહે છે કે દુષ્ટ..તૂં સાધના કરી રહી છે કે એક ઋષિનું અપમાન કરી રહી છે? મારી અવહેલના કરવાનું શું પરીણામ આવશે તેની તને ખબર છે? ત્યારે ઘરમાંથી અવાજ આવ્યો કે હા..મને ખબર છે કે આપ શ્રાપ આપશો,પરંતુ હું કોઇ કાગડો નથી કે આપના પ્રકોપથી બળીને ખાખ થઇ જાઉં ! જેને જીવનભર પાલન-પોષણ કર્યું તે ર્માં ની સેવા છોડીને તમોને ભિક્ષા આપવા કેવી રીતે આવી શકું?
ઋષિનો અહંકાર ચૂરચૂર થઇ ગયો.થોડીવાર પછી તે મહિલા ઘરમાંથી બહાર આવી ત્યારે ઋષિએ આશ્ચર્યપૂર્વક મહિલાને પુછ્યું કે આપ એવી તે કંઇ સાધના કરો છો જેના ફળસ્વરૂપ આપ મારા વિશે તમામ વાતોને જાણો છો ? ત્યારે મહિલા કહે છે કે મહાત્માજી..હું મારા પતિ,બાળકો,પરીવાર અને સમાજ પ્રત્યેના મારા કર્તવ્યોનું નિષ્ઠાપુર્વક પાલન કરૂં છું અને આ જ મારી સિદ્ધિ છે.
આપણા દેશમાં પ્રાચીન સમયથી ઋષિઓને સમાજના માર્ગદર્શક માનવામાં આવતા હતા.ઋષિ-મુનિ પોતાના જ્ઞાન અને તપના બળે સમાજ કલ્યાણના કાર્યો કરતા હતા.સેંકડો વર્ષોના તપ અથવા ધ્યાનને કારણે ઋષિઓને સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થતી હતી તેનો ઉપયોગ તે લોકલ્યાણ માટે કરતા હતા.તમામ ઋષિઓ ગૃહસ્થી હતા અને ભગવાનના ઉચ્ચ કોટીના ભક્ત બની પ્રભુ સ્વરૂ૫ બની ગયા હતા.ઋષિમુનિઓ તેમના યોગ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરી તેમના શિષ્યોને જ્ઞાનની પ્રાપ્તિ કરાવતા હતા.આપણા પુરાણોમાં અઠ્ઠાસી હજાર ઋષિઓ વિશે વર્ણન છે.
ઋષિમુનિઓએ ચિંતન-મનન દ્વારા પ્રાપ્ત અનુભવના દ્વારા માનવમાત્રને ઉપદેશ આપ્યો છે કે માનવજીવનની સાર્થકતા ભગવતપ્રાપ્તિમાં જ છે અને ભગવતપ્રાપ્તિ ધર્મમય જીવન જીવવાથી જ સંભવ છે.બીજા શબ્દોમાં કહીએ તો બ્રહ્મ સાક્ષાત્કાર જ આ માનવજીવનનું એકમાત્ર લક્ષ્ય છે ૫રંતુ અમે આ અમૃતતુલ્ય જીવનને શાસ્ત્રનિષેધ આચરણો અને કુકર્મોથી નરક બનાવી રહ્યા છીએ.અમોએ સાંસારીક સુખ ભોગોને જ અમારૂં એકમાત્ર સાધ્ય માની લીધું છે.વિષય સુખને જ અમારા જીવનનું લક્ષ્ય બનાવી લીધું છે એ કેટલો અનુચિત,હાસ્યાસ્પદ અને મૂર્ખતાપૂર્ણ દ્દષ્ટિંકોણ છે !
તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી પરંતુ આસક્તિ જ બાધક છે.
વિનોદભાઇ માછી નિરંકારી


