મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતી પ્રતિષ્ઠિત, પ્રખ્યાત અને પ્રસિદ્ધ એવી રોયલ એકેડેમીના પાંચ વર્ષ પૂર્ણ થવાને અનુસંધાને ‘પંચોત્સવ’ની ઉજવણી પરત્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, ઇનામ વિતરણ તથા ગીત સંગીત સ્પર્ધા નું આયોજન કરાયું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં જાણીતા લેખક, કવિ અને આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિખિલ જોશી, જવાહર નવોદય વિદ્યાલય કઠલાલના આચાર્ય અનિલ કામ્બલે, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના આચાર્ય ડૉ. અમિતકુમાર પરમાર, કઠલાલ નગરપાલિકાના ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ, ગોડાઉન મેનેજર વનિતાબેન રાઠોડ, સામાજિક અગ્રણી જીતુભાઈ ચૌહાણ તેમજ કઠલાલ શહેરના અન્ય શ્રેષ્ઠીઓ તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. નિખિલ જોશીએ વિદ્યાર્થીઓને તેઓની જ્વલંત સફળતા બદલ બિરદાવી ભાવિ જીવન અંગેની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ડૉ. અમિતકુમાર પરમારે વિદ્યાર્થીઓને શૈક્ષણિકક્ષેત્રે આગળ વધવા બદલ તેમજ રોયલ એકેડેમીને પાંચ વર્ષ પૂર્ણ થવા બદલ શુભેચ્છાઓ અર્પી હતી. રોયલ એકેડેમીના નિયામક સૈફ ખોખર દ્વારા વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું. પૂજાબેન પટેલ દ્વારા પંચવાર્ષિક અહેવાલનું વાંચન કરી સમગ્ર પાંચ વર્ષ દરમિયાન રોયલ એકેડેમી દ્વારા શૈક્ષણિક તેમજ અન્ય ક્ષેત્રોમાં કરેલ કામગીરી અંગેનો ચિતાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શૈક્ષણિક ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે એકેડેમીનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. પંચવર્ષીય ઉજવણીને અનુસંધાને રોયલ એકેડેમી દ્વારા ગીત સંગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ થી પણ વધુ વ્યક્તિઓએ પોતાની રોચક પ્રસ્તુતિ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય રશ્મિન રાવલ, સંગીતના પ્રાધ્યાપક તસવ્વુર મલેક તેમજ ફિલ્મ દિગ્દર્શક ડૉ. નિખિલ જોશીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન વિજય પટેલ, કશિલ રાજપુત અને કુ. જીનલ પટેલે કર્યું હતું.

