મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના વાધાવત ગામે સમસ્ત સોલંકી સમાજ વાધાવત ગામ સમસ્ત દ્વારા નવનિર્મિત રામદેવજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
વાત્રકકાંઠાના મુખ્ય મથક આતરસુંબા પાસે આવેલ વાઘાવત ગામે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસે
ધાન્યાધિનિવાસ, કોટિહોમ, શોભાયાત્રા અને શાયન પૂજાના કાર્યક્રમ યોજાયા હતા.
જ્યારે બીજા દિવસે મહાપુજા, ધાન્યમાંથી મૂર્તિ બહાર કાઢવી, પ્રાણપુરણ, ભોજન સમારંભ, શ્રીફળ હોમ, ધ્વજારોહણ, મહા આરતી અને પ્રસાદ સમયના કાર્યક્રમોનું ભક્તિભાવ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ.
વાધાવત ખાતે નવનિર્મિત ભવ્ય રામદેવપીર મંદિર ખાતે સમસ્ત વાધાવત ગ્રામજનો ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામોના ગ્રામજનો સહિત સોલંકી સમાજના આગેવાનો તેમજ આમંત્રિત મહાનુભાવો અને ભાવિક ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના તથા દર્શનનો લાભ લઈ રામદેવજીના આશિર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે વાધાવત ગામે નિકળેલ રામદેવપીરની શોભાયાત્રામાં સમસ્ત વાઘાવત ગ્રામજનો સહિત વિશાળ સંખ્યામાં ભક્તોએ શ્રધ્ધાપૂર્વક જોડાતા અનેરી ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત સોલંકી સમાજ વાઘાવતના મહાનુભાવોએ હવન મહાપૂજામાં પાટલે બેસી ધન્યતા પૂર્વક રામદેવપીરની આરાધના કરી હતી. સાથે સાથે મહાઆરતીનો પણ શ્રધ્ધાળુઓએ લ્હાવો લીધો હતો.
સમસ્ત વાધાવત ગામ સોલંકી સમાજના તમામ ગ્રામજનો, આગેવાનો, વડીલો તથા યુવા મિત્રો અને સ્વયંસેવકોએ રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ સુંદર આયોજન દ્વારા સફળ બનાવ્યો હતો.
જ્યારે યજ્ઞના આચાર્ય શ્રી જીગરભાઈ વ્યાસ તથા ભૂદેવોની સમગ્ર ટીમ દ્વારા રામદેવપીરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ ભક્તિભાવ પૂર્વક વૈદિક મંત્રોચાર, હવન પૂજા અર્ચના સહિત ધાર્મિક વિધિ કરી ઉપસ્થિત સર્વેને રામદેવપીરના આશીર્વાદ પાઠવ્યા હતા.


