Gujarat

કરમ વિનાના કરશનભાઈ કોની જાનમાં જાય, કરમમાં લખી હોય ખીચડી કંસાર ક્યાંથી ખાય…

‘રકા’ શબ્દ આપણને અટપટો લાગે. પણ ૩૫ વર્ષથી જેનો થાપાનો ભાગ અને પગના પંજા બંને એક સાથે જામીનને અડી જાય એવી રીતે જ બેસી શકે એવા એક ભાભા આમ બેસીને એક હાથમા ચા નો કપ લઈને સબડકો મારી, તાલુબા ને ‘રકા’ કઈને હાદ આપે છે. પણ આ શબ્દ નું લોજિક શું? વાંચો એટલે કહું આગળ.
આડબીડ વાળા એ શિહોરના ઘરમાં કોઈ ઘરમાં આવે તો ડેલી ખખડે પણ માણહ ઠેઠ પરસાળ પાસે આવે ત્યારે જ દેખાય એ ખરબચણી લાદી વાળી ઓહરીમાં બેહીને “થાંભલી ઉપરથી સહયમા આપજે…” થોડીક વાર પછી. “ખીંટી એ ટીંગાડી ઈ થેલી માંથી હૂડી, અને ગન્રારા માંથી ઓલુ કાગળનું પડીકું છે એમલી હોપારી આપજે… મારે થોડી હોપરી વાતારવી છે.” થોડીક વાર પછી. “હરેશ ને હવારે ટરપેન્ટાઈન અને ગમપ્લાસ્ટનો રોલ લાવાનું કીધું સે….” “આ ખાટલાની પાટીનો પિંડો મેલો બઉ છે, રકા ઈ ધોઈને ગળી કરીને હુકવી દે. કાલક ઓરું ખાટલામાં પાટી ફિટ કરી દવ…..” “કફનીના ખિસામાંથી પેન અને તમાકુની ડાબલી આપજો…..” હવે તાલુબાના મોઢાના હાવભાવ બગડે છે. પણ બગડે જ ને. કાંઈ આયા ડોહાનો હાથ વાટકો, એટલે કે એક્ષિક્યુટીવ આસીસ્ટન્ટ થોડા નિમાયા છે. અને અર્ધા ઈશારા, અર્ધા મોઢાના બગડેલા હાવભાવ અને સુવાસ ચડી જાય એટલે વાક્યના એન્ડમાં અર્ધા શબ્દો સાઈલન્ટ થઈ જાય એટલા ધીમા પડેને નિસાસો નાખીને ડોહાની હૈયાવરાળ વશલી વવને કે’તા જાય. “હાશ, પણ સમઢીયાળા થી આવા તારુના હખ નથ લેવા દેતા.” ને ઈ તલુબા ઉતાવળા ઉતાવળા સોપ રાખીને વવુંને, વવું કરે એની કરતા વધારે કામ કરાવી દેય. ને આ અજાયબ ‘રકા’ શબ્દથી બાને બોલાવનારા ભાભા મદારીની થેલી માંથી જેમ મદારી તપેલા, અજગર, ડમરુ, લાકડી, તાવીજ, મોરલી, એરૂ, અજગરનો ટોપલો કાઢે એમ આ ભાભા ઠેલીમાંથી ચારે બાજુ નકામી વસ્તુ લાવીને પાથરે.
બે’યની કેમેસ્ટ્રી હાવ મિસમેચ. બા કાંઠાળા, પડછન્દ, લોઇઠકા, ઉતાવળા, મજબૂત, જીજીવિષા વાળા (ઈમ્પલસીવ યુ નો), ઉપરછલ્લા, નાસ્તિક, પ્રોડક્ટિવ, નીડર, બાહોશ, એક્ટિવ, આખાબોલા, વાલોપાત કરનારા, સ્ટ્રોંગ, મહેનતું, કેરલેસ, નિષ્ઠુર, મક્કમ, નિખાલસ, અધીરા, ઓલવેઝ બીઝી, સમાધાનકારી, સેકરીફાઈસ એટીટ્યુડ, હિસાબમાં ચોખા, બહાદુર, એકાલહુડા, દેશી, બળતરા, સ્વાદ, રંગ, ગંધ, મોહ માયા, રોગ, વગેરેથી પરે, અને કોઈપણ જાતના શોખ વિહિન. બા પોતે પોતાના શબ્દો બનાવે. શી કોઈન્ડ હર ઓઉન વર્ડસ. દા.ત. અહક, ભળકડું કેમ કે… બોટાદ-ભાવનગરની લોકલ નેરોગેજ ટ્રેનમાં કસુમ્બીના રંગના સર્જક ઝવેરચંદ મેઘાણીની હારે આઝાદી પેલા ઈશ્વરસિંહ દોલતસિહ રાવે મુસાફરી કરી છે એ વિરલાને વારસામાં જે ભાષા વૈભવ મળ્યો તેની આ બા પણ હક્કદાર છે. એ વિરલાને આ લખનારે એકવાર નાનપણમાં પૂછેલું કે તમારી પાસે વિદેશની પોસ્ટ સ્ટેમ્પ છે, ત્યારે એમણે એમની પ્રહસન પ્રસ્તુતિથી કીધેલું કે અંબાબાએ તેમને ચિકાગોમાં નઈ ચણીયાળામાં જનમ આપ્યો છે.
બાના જેટલા કેરેક્ટરિસ્ટીકસ છે તેના વિરોધાભાસી દાદાના છે. દાદા વર્ણાન્ગી, ધીમા, સેલ્સમેન, ઉપાસક, ધર્મવીદ, દાર્શનિક, કન્ફ્યુઝડ, વાતુડિયા, આરામપ્રેમી, ખાવાના શોખીન, ઢીચકા, નાજુક, ઉપચારક, પ્રચારક, પ્રામાણિક, ટાઢા, દયાવાન, તોરી, નવરા, સંગ્રહખોર, મિજાજી, ચોખ્ખા અને સફેદ કપડા, કાળી મોજડી, ખુશ, ચમક્તિ લાકડી, બોરા કંપનીની પેન, સ્ટીલની મોટી તમાકુની ડબ્બી, ધારદાર અને પોપટની ચાંચ જેવી સૂડી, ખિસામાં રાખવા જોવે તેવા બ્રાન્ડ કોન્સિયસ, ઇનોસન્ટ, મૃદુ, સ્ટાન્ડર્ડ, વાચક, ડિપ્લોમેટ, પબ્લિક અને શ્રોતા પ્રેમી, ટાબક ટીબક કરીને પછી જ બાર નીકળે. દાદાના કુટુંબમાં કોઈ એવું વ્યક્તિ નહિ હોય જેમણે એમની વાત્રેલી સોપારીનો સ્વાદના ચાખ્યો હોય તેના કાનમાં આ વાંચતા જ તરત જ સોપારી કાપવાનો એ કુરુર કુરુર.. આવાજ ગુંજ્યો હશે. એન્ડમાં પતલી થતી જાય એવી મૂછ સેટ કરે. બાર જાય ત્યારે ઠાવકાઈથી લાકડી લઈનેએ પિતૃકૃપાની લીલી રજવાડી ડેલીનો ઉંબરો ટપે. શિહોરની ઘોએલ શેરી, પ્રગટનાથનો ઢાળ, પંચમુખા, ઓકટ્રોયનો ડેલો, શીહોરીમાતાના ડુંઘરે ચડવાના અવનવા, અટપટા, વાંકાચૂકા રસ્તાઓ, નાગરિક બેન્કથી મોટા ચોકમાં જવાનો રસ્તો, ત્યાંથી દેખાતા મોટા ચટ્ટાનો જેવા ડુંઘરાઓ… કોઈ યુપી, બિહાર કે ચમ્બલનું એક પરાગણું હોય એટલું ગુઢ અને રહસ્યમય. ડીસ્કવરી ચેનલમાં એપિસોડ બનાવી શકીએ એવું ત્યાનું અટાણું, વેપારીઓની રકઝક, મોટી ફાંદ અને ટુંકી ગંજી પેરી કણી વાળા પેંડાનો માવો બનાવતા કાંદોઈઓ, ઘેરા લીલા કલરની આભલા વાળી થેલીઓ લઈને ગામડાની બાયું અલક મલકની વાતું કરતી કરતી શરમાઈને અટાણું કરે. જયાનંદ ગઠિયા વાળા, પાછળથી મોટા વાળ, આગળ ટાલ હોય, પટેલ પાનવાળા, ભગવાનભાઈ દુધવાળા- “દુઘ લઈ લેજો..” એવો હાદ રોજ એક જ ફ્રિકવન્સી અને એજ વોઈસ ટેમ્પોથી કરે. સાજણભાઈ હોય, સજનમાશી હોય, ઘનો ભાગવાળાનું કેબીન હોય, સતુમાશીનો રોટલા ટીપવાના રીધમ વચ્ચે લગનના ગીતોના ટહુકા સંભળાય, રઝાકભાઈ રસવાળા, હનીફ ઘડીયાળી, ઝમઝમ ફ્રુટ, ભરતભાઈ ડોક્ટર, સલીમ શાક વાળો, અતુલ કપડા વાળો, હરિભાઈ માળી, મલેક ટેલર, મુની મેડીકલ વાળા, મોલ મલ્ટીપ્લેક્ષનો જમાનો ન હતો ત્યારની કટલરીની વર્ષોથી દુકાન ચલાવતી બે બહેનો, શરદભાઈ સોની, નાગરભાઈ કાપડ્યા, જીતુભાઈ પાનવાલા, નરશીમલ કરીયાણાવાળા, બરકતભાઈ ટીવી વાળા, મુળજી ભૂંગળા વાળા, બાબુ બટેકા વાળા, તમાકુની દુકાનો, મર્કન્ટાઇલ બેંક, પીઅર-લેસની ઓફીસ, કંસારા બજાર, મંદિરો, બાવાઓ, ગાંડાઓ, સાત શેરી, સુખનાથ, પ્રગટનાથ, ગૌતમેશ્વર,દરબારગઢ, ભૂતનાથ, ભીમનાથ, ગાયો, મજુરો, ગામના ઢુકડે આવેલો ભાવનગરના રાજાનો જર્જરીત રાજ મહેલ, સવારે પૂરી શાક ખાય અને બપોરે ગાઠીયા ખાય, કોળી, ખાવાહ, રાજપૂત, આયારો, કાઢીઓ, બારોટો, વાણીયા, માળીઓ, સોની, દરજી, સુથાર, કંસારા, બાબરો, સંધિઓ, ઘાંચી, મેમણ, ખોજા, કણબી, કુમ્ભારો, મોચી, પટેલો, ભરવાડો, દેવીપુત્રો આ ૧૮એય આલમનો જમાવડો ચોકમાં જામે. અને બધા એકમેક થઈ નાટકમાં ભજવતા કિરદારની જેમ અદાકારી નિભાવે. ભાવનગરના રાજા કાઈ અમથા આયા વિહાર કરવા આવતા. રાતે ફ્લોરોસેન્ટ લાઈટમાં જાહેર શોચાલયો અને ગંધાતા ઉકરડાઓની ગંદકી ગાયો અને રેગ પીકર્સ એટલેકે કચરો વીણવા વાળાને નો આવે એમ ખૂંદે. શિહોરમાં જે દુકાનના પાટિયે બેસવાનો ક્રેજ હતો તે જગતમાં ક્યાય ન હતો. કુતરીની બાહુમાં જાણે ગલુડિયા આળોટે એમ ડુંગરાઓની વચ્ચે શિહોર લપાઈને બેઠું હોય એવું લાગે. શિહોરની એક લઢણ છે, એક ખાસ પહેચાન છે, એક પેટર્ન છે, એક ઘરેડ છે અને આ બધાનો મેજિકલ ચાર્મ આપણને મેસ્મરાઈઝ કરે.
આવા ખયાલો કા શહેરમાં આ દાદા નકામી વાતુમાં કલાક કાઢે. હાલ જાયે હવાલ જાયે પણ બંદે કા ખેલ ના જાયે. બા કામની વાતુંએ’ય હટકા માં કરે.
દાદા વા હારે વાતું કરે ને બા મોટા લોર્ડ મેન નેય મચક નો આપે.
બાને તયણ પુછે ત્યારે ઇને એકમાં ખપાવી દેય. દાદાને એક પુછે તો પછી હો… હો… હો.. કરતા તયણ વસ્તુ કેય.
પણ આજના આત્મ-સાથી (સૉઉલ મેટ આઈ મીન) એટલે કે સ્માર્ટ જનરેશનના સ્માર્ટ કપલ્સ, પોતે ખુબ એડજસ્ટ કરે છે એવુ સતત માનતા પતિઓ અને પત્નીઓએ આ કરશન સંગ ત્રિવેણીના 45 (૧૯૯૩ સુધીમાં) વર્ષની હેપી કે અનહેપી મેરિડ લાઈફના એકાદ કેઝુઅલ પ્રસંગનો ટુકડો લઈને સીન ક્રીએટ કરીને લેસન શીખવા માટે એક કાર્ય શિબિર યોજવી જોઈએ.
રકા કઈને જાણે પોતાના દિલની દાસ્તાં અનએક્સપ્રેસ ફીલિંગ્સ બયાં કરતા દાદા અને મોઢું બગાડીને ય વિચિત્ર જેસચર આપતા બા, આખો દી મેણાં ટોણા મારીનેય રાતે પગ કચરતા કચરતા ય એમ પુછે કે હેં રામ, કફ લાગે છે તમને, તો જરાક, ટરપેન્ટાન ચોળી દવ. એક મેંક ને ચર્ચા, સંવાદ, દલીલો કે કનવેરઝેશન વગર પાંચ છોકરાઓ, છ ભાઈ ભાભીઓ ચાર બેન બનેવીઓ, બાર ગામની ન્યાત, નવ ભાત્રીજા ભત્રીજીઓ, બાપનુ ગામ મૂકીને ધંધા રોજગાર માટે ઘર ખાટલા સાથે નવા નવા ગામ અલકચાળાનુ કરવાનું. વણજારાની જેમજ વળી. સ્તવન, શુભ, અભિષેક માધવ, જયરાજ, પ્રશાંત તમારા પ્રોજેક્ટ પફેઝન્ટેશમમાં આવી અસલી ચેલેન્જ અપનાવી જુવો તો ખરા.
28 નં. ની જૂની બ્લેક માંથી બ્રાઉન થઈ ગયેલી, બોદી થઈ ગયેલી ટીંકોરી, અને હૅન્ડલને અડી જતી બ્રેક, પેંડલના રબ્બર પેડ ઘસાઈને ગોળ થઈ ગયા હોય. ઈ સાયકલ લઈને સમઢિયાળાથી નોંઘણવદર રોજ ટપાલનો થેલો લેવા જાવાનુ, આવીને રામજી મંદિરને ધુકડે આવેલ લીપણ વાળી પોસ્ટઓફિસમાં ટપાલો સોર્ટિંગ કરી પછી ઘરે. જઈ ટીપણા ઉપર થાળી મૂકી ઉભા રહીને જ જમવાનું, અને લોટો ભરીને પાણી પી ટપાલો ગમે ગામ વેચવા જવાનું. અને ઈ તો ઠીક એ સાયકલ લઈને સમઢિયાળાથી શિહોર પણ પુગે.
અંબાગાંડી અને દોલતાની સોડી હારે ચણીયાળે ઓલા અમરાના કસાનું સગપણ નક્કી કર્યું છે. આવી કેણ મોકલીતી. ઈ જમાનામાં. કઈ વૉટ્સએપ્પ પર કરશન s/o અમરશન્ગ weds મિસ ત્રિવેણી d/o દોલતસિંહ રાવ એવા મેસેજ ફોરવર્ડ ન હોતા થયાં. કે વન ડેઝ ટુ ગો, ટુ ડેઝ ટુ ગો એવા ઈન્સ્ટા પોસ્ટ ન થતા.
પણ ઈ ગરીબી, બીમારી, બા ને ટીબી, ઘરમાં બાળ મરણ, કાળઝાળ ગરમી, ઉપર દેશી નળિયા, અર્ધું ડુંઘરાની ધારમાં ઘરી ગેલું ઘર, ઘરમાં એરૂ, વિછિ, નોળ્યો, હોલો, ઘુવડ, ચાચડ, કીડી, મકોડા, પાણીની તંગી નો કાળો કેર આ બધુ પાર પાડવા આ કસાએ અને તલુએ પોતાની પર્સનલ લાઈફને નેવે મૂકી દીધેલી. આજે કરશનદાસ અમરશંગ પ્રબતાણી એમ બોલીએ એટલે બ્રાન્ડ નેમ લાગે. પણએ બ્રાંડ બનવવા પુરો દાયકા સુધી ઝઝૂમવું પડે ભાઈ. અને ત્રિવેણી નામ હતું એ તો કોઈને ભાગ્યેજ ખબર હશે પણ ઢાળમાં ઠેઠ પ્રગટનાથ લગી ખાલી એટલુ પૂછવાનું કે ઓલા તલુફાઈ ક્યા રેય છે? ને કોઈ વધારે કલુ માંગે તો એમ કેવાનું કે છાપાવાળા કિશોરભાઈ અને ભાંગ્ય ના કારખાના વાળો હરેશના ઘરે જવુ છે. તો તમને ઘરે મુકવા આવે. પણ મુકવા તો આવવું જ પડે કેમ કે સર્પાકાર ઘોયેલ શેરીમાં પિતૃકૃપા લખેલુ છેલ્લા મકાનમાં આ બધી કથા 1986 પછી બની.
બા ના મારી ગયા પછી 30 વર્ષા જીવતર એકલુ કાપવું અને બ્રાંડ ઈમેજ ઉભી કેવી રીતે થાય તે ટેસ્ટ કરવા ફોન સ્વીચ ઓફ કરીને એક દિવસ ઘરમાં પુરાઈ રો તો ખબર પડે. આ કરશનદાસનું કિરદાર નિભાવી આજે એમની આત્માએ અહીથી એકઝીટ લીધી. એમની ટોપી, ઝબ્ભો, લાકડી, પેન આપણે હાથમાં લઈએ એટલે આપણને અધ્યાત્મિક અનુભૂતિ થશે.
બાકી રહી ગયું હોય તો ટકોર કરશો.
અસ્તુ,
મનીષ બ્રહ્મભટ્ટ,
છોટાઉદેપુર-સુરત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *