સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જનપ્રશ્નોનું ત્વરિત સમાધાન થઈ રહ્યું છે. આ માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા તાલુકાકક્ષાએ જઈ લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને રજૂ થયેલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ માટે માર્ગદર્શન સાથે જરૂરી દિશાનિર્દેશ આપી રહ્યા છે. વંથલી ખાતેના તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂ થયેલા તમામ ૧૮ પ્રશ્નોનું સ્થળ પર જ સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રીએ સંબંધીત અધિકારીઓની હાજરીમાં અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતાં. આ પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણાના અંતે લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવ્યાં હતા.
કલેકટરશ્રીએ લોકોના પ્રશ્નો સાંભળવાની સાથે તેમના વ્યવસાય, રોજીંદા જીવન અને પ્રશ્નોના જાણવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ મળતી સહાય અંગે પણ પૃચ્છા કરી હતી.
કલેકટરશ્રીએ સ્વાગત કાર્યક્રમને સાંભળ્યા બાદ વંથલી તાલુકામાં ચાલતા વિકાસ કાર્યોના પ્રોજેક્ટ અંગેની અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. ઉપરાંત વહીવટી તંત્રના આંતરિક પ્રશ્નો ઉકેલવા માટે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કલેકટર દેવેન્દ્ર મીણા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી રીના ચૌધરી, મામલતદાર શ્રી ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


